કુર્દીશ નેત્તૃત્વવાળા દળોએ આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ(આઇએસ)ની પાંચ વર્ષ જૂની ખિલાફતનો અંત આવ્યો હોવાની જાહેરાત કરી છે. પૂર્વ સિરિયામાં આઇએસના છેલ્લા ગઢ ઉપર પણ સિરિયન સેનાએ કબજો મેળવી લીધો છે. અમેરિકા સમર્થિત સિરિયન ડેમોક્રેટિક દળોએ બાઘોઝમાં પોતાનો પીળો ધ્વજ લહેરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે એક સમય એવો આવી ગયો હતો કે જ્યારે ઇરાક અને સિરિયાના મોટા ભાગના વિસ્તારો પર આઇએસનો કબજો હતો. વૈશ્વિક નેતાઓએ આઇએસ સામેના વિજયને મહત્ત્વપૂર્ણ ગણાવ્યો છે. સિરિયન ડેમોક્રેટિક ફોર્સના પ્રવક્તા મુસ્તેફા બાલીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સિરિયન ડેમોક્રેટિક ફોર્સિસ આઇએસની ખિલાફતના સફાયાની જાહેરાત કરે છે. આઇએસ સુપ્રીમો અબુ બક્ર બગદાદી દ્વારા ૨૦૧૪ની મધ્યમાં આઇએસની શરૃઆત કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૭થી આઇએસના પતનની શરૃઆત થઇ ગઇ હતી. આઇએસ વિરુદ્ધ પાંચ વર્ષ સુધી ચાલેલી લડાઇને કારણે અનેક લોકો બેઘર થયા છે. કુર્દીશના લડવૈયા ૨૧ વર્ષીય હિશામ હારૃનના જણાવ્યા અનુસાર આઇએસમાં છેલ્લી સુધી લડનારાઓમાં ટયુનિશિયા, મોરક્કો અને ઇજિપ્તના નાગરિકો સામેલ હતાં. સિનિયર ઓબ્ઝરવેટરી ફોર હ્યુમન રાઇટ્સના જણાવ્યા અનુસાર આઇએસની સામેની લડાઇમાં ૬૩૦ નાગરિકો, ૭૫૦ એસડીએફ લડવૈયાઓ અને ૧૬૦૦ જિહાદીઓના મોત થયા છે.

