UP: કલેક્ટરના ઘરે CBIના દરોડા, 47 લાખ રૂપિયા મળ્યા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ઉત્તરપ્રદેશના બહુચર્ચિત માઈનિંગ સ્કેમમાં CBI દ્વારા બુધવારે બુલંદ શહેરના કલેક્ટર અભયકુમાર સિંહના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા.

માઈનિંગ સ્કેમ થયુ ત્યારે યુપીમાં સમાજવાદી પાર્ટીની સરકાર હતી અને અખિલેશ યાદવ સીએમ હતા. CBIની ટીમોએ બુલંદ શહેર ઉપરાંત ફતેપુર, આઝમગઢ, અલ્હાબાદ, નોએડા, ગોરખપુરમાં પણ દરોડા પાડ્યા હતા.

બુલંદના કલેક્ટર અભયસિંહના ઘરેથી 47 લાખ રુપિયા CBIને મળ્યા બાદ તેમની સામે કેસ કરવામાં આવ્યો છે. CBIને વધારે રોકડ રકમ મળશે તેવી આશંક હતી. જેના પગલે નોટો ગણવાની મશીન પણ મંગાવાઈ હતી.

અભયકુમાર સિંહના ઘરેથી કેટલાક દસ્તાવેજ પણ કબ્જે કરવામાં આવ્યા છે. અભિયસિંહ 2013થી 2014 સુધી ફતેપુર કલેક્ટર હતા, આ સિવાય તેઓ રાયબરેલીમાં પણ કલેક્ટર રહી ચુક્યા છે. સુત્રોનુ કહેવુ છે કે, માઈનિંગ માટે 2012થી 2016 દરમિયાન 22 ટેન્ડર મંજૂર થયા હતા. આ પૈકીના 14 ટેન્ડર ત્યારે પાસ કરાયા હતા જ્યારે અખિલેશ યાદવ પાસે માઈનિંગ વિભાગનો હવાલો હતો.

અગાઉ આ જ સ્કેમના સંદર્ભમાં અન્ય એક IAS ઓફિસર ચંદ્રકલાના ઘરે પણ CBI દરોડા પાડી ચુકી છે. હાઈકોર્ટે આપેલા આદેશ બાદ આ ગોટાળાની તપાસ કરવામાં આવી રહી છે.