જમ્મુ-કાશ્મીરમાં નેતાઓ નજરકેદ,પરિસ્થિતિઓ તણાવપૂર્ણ બની

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિઓ તણાવપૂર્ણ બની રહી છે. જેમાં શ્રીનગર સહિત કેટલાક જિલ્લાઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે કર્ફ્યુ પાસ આપવાના પ્રસ્તાવે રાજ્યમાં કર્ફ્યુ લાગવાની સંભાવનાઓ જગાડી દીધી છે. જો કે બીજી તરફ કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવાઓ પણ અનિયમિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે.

કાશ્મીરની પરિસ્થિતિઓને જોતા પૂર્વ મુખ્યમંત્રીએ સર્વદળીય બેઠક બોલાવી હતી જેમાં કાશ્મીરના વિશેષ દરજ્જાની સુરક્ષાનું બીડુ ઉઠાવવામાં આવ્યું હતું, પરંતુ રાજ્યમાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાને નજરકેદ કર્યા હોવાના સમાચારે વાતાવરણ ગંભીર બનાવી દીધુ છે.

વિતેલા કેટલાક સમયથી કેન્દ્રની કાર્યવાહી પર અફવાઓએ જન્મ લીધો હતો કે, રાજ્યમાં કંઇક મોટુ થશે. જેના સંકેતો હવે મળી રહ્યા છે.

આ પેહલા જમ્મુ-કાશ્મીર મામલે દેશમાં ફેલાયેલી અફવાઓ વચ્ચે મહેબૂબા મુફ્તીએ સર્વદળીય બેઠક બોલાવી હતી. મુફ્તીએ આ મામલે જણાવ્યું કે, અમને કોઇ જણાવી નથી રહ્યું કે અહી શું થવા જઇ રહ્યું છે? એવામાં રાજ્યના તમામ રાજકીય દળો અને જનતાએ સાથે મળીને પરિસ્થિતિનો મુકાબલો કરવો પડશે. તેમણે એમ પણ જણાવ્યું કે, અમને હોટલમાં બેઠક કરવાની મંજૂરી નથી મળી રહી તેથી રવિવાર સાંજે ઘરે બેસીને જ બેઠક કરીશું.

મહેબૂબાએ ટ્વિટ કરી કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા જણાવ્યું કે, અમરનાથ શ્રદ્ધાળુઓ, પર્યટકો, વિદ્યાર્થીઓ અને ક્રિકેટરોને કાશ્મીર છોડવા માટે કહેવામાં આવી રહ્યું છે, પરંતુ કાશ્મીરીઓને રાહત આપવાના કોઇ પ્રયત્ન કરવામાં નથી આવી રહ્યા, ક્યાં ગઇ માનવતા, કાશ્મીરીયત અને જમ્હુરિયત?

આ પહેલા મુફ્તીએ વડાપ્રધાનને અપીલ કરી હતી કે, રાજ્યના વિશેષ દરજ્જા સાથે છેડછાડ ન કરે. તેમણે જણાવ્યું હતું કે, આ પગલાના પરિણામો સારા નહી આવે. તેમણે આ મામલે અન્ય નેતાઓ સાથે મળીને રાજ્યપાલ મલિકની મુલાકાત પણ લીધી હતી અને તેમને અફવાઓ વિશે જાહેરાત કરવા અપીલ કરી હતી, જેના કારણે ખીણ પ્રદેશમાં ભયનો માહોલ પેદા થયો હતો.

તેમણે જણાવ્યું હતું કે, પોતાની વિશિષ્ટ ઓળખની સુરક્ષા માટે જે કંઇ પણ બચ્યુ છે તેને ભારત સરકાર, જમ્મુ-કાશ્મીરની જનતા પાસેથી બળજબરીથી છીનવી રહી છે.