મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રવેશી રહેલ વાયુ વાવાઝોડાની ઝડપમાં વધારો થયો છે અને વેરાવળથી દ્વારકા વચ્ચે કલ્યાણપુરથી પ્રવેશે તેવી શક્યતા છે. વાવાઝોડાની તીવ્રતા 150 થી 165 કિ.મી.ની રહેવાની સંભાવના છે જેને ધ્યાને લઇને રાજ્યના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
આજે સવારથી વાયુ વાવાઝોડા સંદર્ભે રાજ્ય સરકારે ઘનિષ્ઠ કામગીરી શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘ સહિત ઉચ્ચ અધિકારીઓએ સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના વહીવટી તંત્ર સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરીને પૂરતી તકેદારી રાખવા સૂચનાઓ આપી હતી. રાજ્યના સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં પ્રભારી મંત્રી અને પ્રભારી સચિવઓ ખડેપગે તૈનાત છે.
તેમણે ઉમેર્યું કે, અસરગ્રસ્ત જિલ્લાઓમાં સ્થળાંતરની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સાંજે 6.00 કલાક સુધીમાં 500 ગામડાઓમાંથી 2.15 લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે અને 2000 આશ્રય સ્થાનોમાં તેમના માટે રહેવાની, જમવાની અને પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરી દેવાઇ છે. રાત્રીના સમયે પોલીસ વિભાગ દ્વારા કોમ્બિંગ નાઇટ કરવામાં આવશે. જેમાં નાગરિકોને સલામત સ્થળે ખસી જવા પણ અપીલ કરાશે. સ્થાનિક સ્વૈચ્છિક સંથાઓ અને વહીવટી તંત્ર દ્વારા આશ્રયસ્થાનો પર પૂરતી વ્યવસ્થાઓ પણ કરાઇ છે.
પંકજકુમારે કહ્યું કે, સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં જાનમાલને નૂકસાન ન થાય તે માટે NDRFની 33 ટીમો, SDRFની 9 ટીમો, (જેમાં એક ટીમમાં 90 થી 100 વ્યક્તિ હોય છે.) આર્મીની 11 કોલમ, BSFની બે કંપની, SRPની 14 કંપની તથા મરીન 300થી વધુ કમાન્ડો તહેનાત કરી દેવાયા છે.
તે ઉપરાંત એરફોર્સ દ્વારા 9 હેલિકોપ્ટરની ટીમો પણ પુરી પાડવામાં આવનાર છે. સાથે સાથે આ વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાય તો PGVCL કંપની દ્વારા પણ ઉર્જા મંત્રીના સીધા માર્ગદર્શન હેઠળ યુદ્ધના ધોરણે પૂરતી વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે અને તેના પરિણામે યુદ્ધના ધોરણે વીજપુરવઠો પૂર્વવત કરી દેવાશે. આ ઉપરાંત માર્ગોને પણ જો નૂકસાન થાય તો તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તમામ સાધનો સહિત પૂરતી વ્યવસ્થાઓ થકી 50 ટીમો કાર્યાન્વીત કરી દેવાઇ છે. રસ્તા પરથી મોટા જોખમી હોર્ડિંગ્ઝ પણ ઉતારી દેવાયા છે.
તેમણે કહ્યું કે, આ વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતાને લઇને ડી-વોટરીંગ પંપની પણ પૂરતી વ્યવસ્થાઓ કરી દેવાઇ છે સાથે સાથે વાવાઝોડાને પરિણામે ટેલિકોમ કોમ્યુનિકેશન ખોટવાય તો જે કંપનીનું નેટવર્ક ખોટવાઇ જાય તે સમયે અન્ય કંપની પર સ્વીચ ઓવર કરી દેવાશે જેનો કોઇ અલગથી ચાર્જ નાગરિકોને લાગશે નહિ.

