દિલ્હીમાં ધોળાદિવસે લુખ્ખાઓનો આતંક વધી રહ્યો છે. એક મહિલા પત્રકાર રવિવારે તેનો ભોગ બની હતી. ચાલુ રિક્ષામાં બે બાઇકસવાર ગુંડાઓએ તેને બહાર ખેંચીને સામાન લૂંટી લીધો હતો. આ ઘટનામાં તેના ચહેરા અને હાથમાં ઇજા પહોંચી હતી.
આ ઘટના રવિવારે નવી દિલ્હીના ચિત્તરંજન પાર્કમાં બની હતી જેમાં એક ન્યૂઝ એજન્સીમાં કામ કરતી પત્રકાર જોયમાલા બાગચી રિક્ષામાં જઇ રહી હતી. અચાનક બાઇક પર સવાર બે ગુંડા આવ્યા અને તેને ખેંચીને બહાર પાડી દીધી. તેના લીધે તેને જડબામાં ફ્રેક્ચર થયું અને હડપચી પર ટાંકા લેવા પડ્યા હતા. તેના હાથમાં પણ ઇજા થઇ છે.
ઘટના બાદ તે લોહીલૂહાણ હતી અને સ્થાનિકો તેની મદદે આવ્યાં હતાં. ત્યાંથી દિલ્હી પોલીસની ટીમ તેને AIIMSમાં સારવાર માટે લઇ ગઇ હતી. સાઉથ દિલ્હીના ડીસીપી અતુલ ઠાકુરે કહ્યું કે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ સેક્શન-394 જે લૂંટ અને ઇજા પહોંચાડવાની કલમ છે, તે અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
જોયમાલાએ કહ્યું- હું સીઆર પાર્ક પાસે શોપીંગ કરીને સાંજે છ વાગ્યાની આસપાસ રિક્ષામાં પાછી આવી રહી હતી. ત્યારે ટ્રાફિક ધીમો ચાલી રહ્યો હતો અને અચાનક બાઇક પર સવાર બે જણ આવ્યા. તેમણે મને ખેંચીને બહાર કાઢી લીધી. ત્યારબાદ મારો ફોન ખેંચીને ભાગી ગયા. ધોળા દિવસે આ ઘટના બની છે અને અહીં કોઇ CCTV નથી. લૂંટારૂઓને શહેરના રસ્તાઓની ચોક્કસ માહિતી છે અને તેઓ આસાનીથી ભાગી જાય છે.

