પેરિસમાં ગેસ લિકેજથી વિસ્ફોટ: બે ફાયરફાઇટર્સના મોતઃ 47 જણા ઘાયલ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

– પ્રચંડ વિસ્ફોટ થતાં લોકોને ભૂકંપનો અનુભવ થયો હતોઃ રસ્તા બંધ કરાયા

– પ્રચંડ વિસ્ફોટના કારણે આસપાસની ઇમારતોને પણ નુકસાન: આગ બુઝાવવા ૨૦૦ ફાયરફાઇટર્સ કામે લગાડયા

– ‘યલો વેસ્ટ’ જેવા સરકાર વિરોધી પ્રદર્શન દરમિયાન આ વિસ્ફોટ થયો હતો જેમાં અનેક જગ્યાએ હિંસા ફાટી નીકળી હતી.

પેરિસ,તા. 12 જાન્યુઆરી 2019, શનિવાર


મધ્ય પેરિસમાં આજે  પ્રચંડ ગેસ વિસ્ફોટ થતાં ઇમારતમાં આગ લાગી હતી અને આગ બુઝાવવા આવેલા બે ફાયરફાઇટર્સના મોત થયા હતા તેમજ બાર કરતાં વધુ ફાયરફાઇટર્સ ઘાયલ થયેલા અને  આસપાસની કેટલીક ઇમારતોમાં તિરાડ પડી ગઇ હતી, એમ સત્તાવાળાઓએ કહ્યું હતું.વિસ્ફોટ પછી ફાટી નીકળેલી આગને બુઝાવવા,રહેવાસીઓને ત્યાંથી હટાવવા અને ફસાયેલાઓેને ખસેડવા આશરે ૨૦૦ ફાયરફાઇટર્સની સેવા લેવામાં આવી હતી.

તાજેતરના સપ્તાહોમાં સરકાર વિરોધી દેખાવમાં અનેક જગ્યાએ ભારે તોડફોડ અને આગજની કરાઇ હતી.’ લોકો જ્યારે રસ્તામાં હતા અને ફાયરફાઇટર્સ ઇમારતમાં કામગીરી બજાવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી’એમ આંતરિક બાબતોના મંત્રી ક્રિસ્ટોફર કાસ્ટાનેરે કહ્યું હતું. અનેક રેસ્ટોરન્ટ અને મુસી વેક્સ મ્યુઝિયમ અને લોકપ્રિય રૂઇ દેસ માર્ટીયર્સ સહિતના  પ્રવાસીઓથી ધમધમતા રસ્તાઓને આશરે ૧૦૦ પોલીસ અધિકારીઓએ બંધ કરી દીધા હતા.

 ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવા ઐતિહાસિક ઇમારતની સામે જ બે હેલિકોપ્ટર ઉતારવામાં આવતા ગાર્નિયર ઓપેરા હાઉસ પાસેના રસ્તા બંધ કરી દેવાયા હતા.માર્યા ગયેલા બે ફાયરફાઇટર્સ ઉપરાંત  વિસ્ફોટમાં ૪૭ લોકો દાઝી ગયા હતા જેમાં દસની હાલત ખૂબ જ ગંભીર હતી, એમ પેરિસના પ્રોસિક્યુટરે કહ્યું હતું. નવમા એરોડિસ્સેમેન્ટ ઇમારતના ભોંયતળીયે એક રેસ્ટોરન્ટ અને બેકરી સાથેની ઇમારતમાં સવારે આશરે નવ વાગે પ્રચંડ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના કારણે લોકોને ભૂકંપનો અહેસાસ થયો હતો. છેક ચોથા બ્લોક સુધી વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. બચાવ ટુકડી હજુ પણ ફસાયેલાઓને શોધી રહી હતી.