10 દિવસમાં કરોડો તીડનું ટોળું 150 કિમી સુધી ગુજરાતમાં ઘૂસ્યું, ગાંધીનગર સુધી પણ ત્રાટકી શકે

ગુજરાત મુખ્ય સમાચાર

ગુજરાતમાં તીડનું આક્રમણ વધી રહ્યું છે. ખાસ કરીને બનાસકાંઠાના વાવથી 10 દિવસ પહેલા ઘૂસેલું કરોડો તીડનું ટોળું ધીમે-ધીમે પાટણ થઈને મહેસાણાના સતલાસણા સુધી પહોંચી ગયું છે. એટલે કે, તીડનું આક્રમણ 150 કિમી સુધી આવી ગયું છે. હજુ તીડના આક્રમણ પર અંકુશ મૂકવામાં નહીં આવે તો માત્ર 100 કિમી દૂર ગાંધીનગર સુધી તીડનું ટોળું પહોંચી શકે છે. રાજસ્થાનના ભાટડીથી શરૂ થયેલું તીડનું આક્રમણ ગુજરાતના ત્રણ જિલ્લા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણાના અનેક ગામોના લાખો હેક્ટર ખેતીને નુકશાન કરીને આગળ વધી રહ્યું છે. જેના કારણે ખેડૂતો પર વધુ એક આફત આવી છે. ખાસ કરીને તીડના આક્રમણના કારણે લાખો હેક્ટરમાં ફેલાયેલા એરંડા, રાયડો, કપાસ, ઘઉ, વરિયાલી સહિતના પાકોને નુકશાન થયું છે. તીડના આક્રમણથી બનાસકાંઠાના 9 તાલુકાના 77 ગામ પ્રભાવિત છે.

ગુજરાતમાં ક્યારથી ઘૂસ્યું તીડનું ટોળું?
13 ડિસેમ્બર: રાત્રે રાજસ્થાનના ભાટડી ગામથી વાવમાં ઘૂસ્યાં
14 ડિસેમ્બર: વાવના 10 ગામોમાં કરોડો તીડ જીરું અને એરંડાનો પાક સાફ કરી ગયા
15 ડિસેમ્બર: બપોરે 2 વાગ્યે તીડના ટોળા જલોયા નડાબેટ વચ્ચેના રોડ પરથી પસાર થતા 12થી 15 ગામોને અસર કરી
16 ડિસેમ્બર: તીડના ટોળા બે ભાગોમાં વહેચાતાં સુઇગામના 10 ગામોમાં તીડે આક્રમણ કર્યું, રાત્રે પાટણ તરફ ફંટાયા
17 ડિસેમ્બર: ત્રણ ભાગમાં વહેંચાયેલા તીડના ટોળા સુઇગામ તાલુકાના અલગ-અલગ વિભાગોમાંથી ત્રાટક્યા હતા
18 ડિસેમ્બર: વાવ, સુઈગામ પંથકથી થરાદ, ભાભર દિયોદર, લાખણીમાં તીડનો આતંક વધ્યો
19 ડિસેમ્બર: કરોડોની સંખ્યામાં 3 અલગ અલગ ભાગમાં તીડના ટોળાં પાલનપુર-ડીસામાં ત્રાટક્યાં
20 ડિસેમ્બર: દાંતા વડગામમાં 7 તાલુકાઓના 46 ગામોમાં તીડના ટોળા ત્રાટક્યાં
21 ડિસેમ્બર: તીડના ટોળાં વડગામ તાલુકાના રૂપાલ પહોંચ્યા
22 ડિસેમ્બર: પેપોળથી સતલાસણાના ઉંબરી ગામ પહોંચ્યા

તીડને ભગાડવા ખેડૂતો વાસણ ખખડાવી અને ધૂમાડો કરી રહ્યા છે
છેલ્લા 10 દિવસથી કરોડોની સંખ્યામાં તીડ ગુજરાતના ત્રણ જિલ્લાના અનેક ગામોમાં નુકશાન કરી રહ્યાં છે. ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં ખેડુતો પોતપોતાના ખેતરમાં જઇ ઘર કામના વાસણો વગાડીને અને ધૂમાડો કરીને તીડને ભગાડવાની કોશિશ કરી રહ્યાં છે.