આનંદ કે. વ્યાસ તરફથી નવી દિલ્હી, તા. 28 : `મિશન શક્તિ’ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંદેશના સમયને લઈને વિપક્ષો રઘવાયા થઈ ગયા હતા અને લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ હોવાથી તેને આચારસંહિતાનો ભંગ ગણાવ્યો હતો, પરંતુ એક રીતે જોઈએ તો બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ ફરી એકવાર વડા પ્રધાન મોદીએ એ દેખાડી દીધું છે કે દેશ તેમની નેતાગીરીમાં ન કેવળ જમીન પર, જળ પર પરંતુ અવકાશમાં પણ સલામત છે. ચૂંટણી પંચના સ્પષ્ટીકરણે પણ વિરોધ પક્ષોની હતાશા વધારી હતી. ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે આચારસંહિતા લાગુ હોય તો પણ ચૂંટણીની મોસમમાં રાષ્ટ્રીય સુરક્ષા કે રાષ્ટ્રીય આપદાની બાબતમાં કોઈ જાહેરાત કરવા માટે સરકારે ચૂંટણી પંચની પરવાનગી લેવાની જરૂર રહેતી નથી. વડા પ્રધાને રાષ્ટ્રીય જોગ સંદેશમાં જણાવ્યું હતું કે લો-અર્થ ઓરબીટમાં લાઈવ સેટેલાઈટને તોડી પાડવામાં ભારતને સફળતા મળી છે. આ સંદેશ બાદ ચૂંટણી પંચની ઉપરોક્ત પ્રતિક્રિયા આવી હતી. વડા પ્રધાને મિશન શક્તિની સફળતાની જાહેરાત કર્યાના થોડા સમય બાદ કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ ડિફેન્સ રિસર્ચ બોડીને અભિનંદન આપ્યા હતા અને વડા પ્રધાનને `હેપી વર્લ્ડ થિયેટર ડે’ની શુભેચ્છા પાઠવી હતી.
દિલ્હીમાં જનમેદનીને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે પ્રવચન દરમિયાન વડા પ્રધાનના હાવભાવમાં એમની બેચેની દેખાતી હતી અને એવું લાગતું હતું કે એમનો જવાનો સમય હવે આવી ગયો છે. આ જાહેરાત માટે વડા પ્રધાને દેશને 45 મિનિટ સુધી પ્રતીક્ષા કરાવી હતી. તમે તેમના ચહેરાના હાવભાવ જોયા? એમને ખબર પડી ગઈ છે કે કોંગ્રેસ હવે ન્યાય કરશે. મોદીને હવે એવો ભય લાગી રહ્યો છે કે તેમનો સમય હવે પૂરો થઈ ગયો છે, એમ રાહુલે જણાવ્યું હતું. રાહુલનાં કટાક્ષ સામે ભાજપે આક્રમકતાથી જવાબ વાળ્યો હતો અને અમિત શાહે કહ્યું હતું કે વંશવાદનાં ઉત્તરાધિકારીને બધામાં ડ્રામા જ દેખાય છે. કારણ કે તે આખા દેશને રંગમંચ સમજે છે. એન્ટી સેટેલાઈટ મિસાઈલનું પરીક્ષણ અવકાશમાં થયું છે પણ લાગે છે કે તેનાથી ધરતી ઉપર પણ કેટલાંક ઘાયલ થયા છે ! હું આપણા અંતરિક્ષ વૈજ્ઞાનિકો અને ડો. મનમોહન સિંઘની નેતાગીરીને અભિનંદન આપું છું એમ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે જણાવ્યું હતું. સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આજની જાહેરાતને રાજકીય ગણાવી હતી અને જણાવ્યું હતું કે આજે વડા પ્રધાને રોજગારી, ગ્રામ્ય સમસ્યાઓ, મહિલા સુરક્ષા જેવા મુદ્દાઓથી લોકોનું ધ્યાન અન્યત્ર ભટકાવ્યું હતું અને તે માટે ટીવી પર સમય ફાળવ્યો હતો. ડીઆરડીઓ અને ઇસરોની ટીમને અભિનંદન, `ભારતને સુરક્ષિત બનાવવા માટે આભાર’ એમ અખિલેશે જણાવ્યું હતું. મમતા બેનરજીએ જણાવ્યું હતું કે આજે એન્ટિ સેટેલાઈટ ટેસ્ટ પર જાહેરાત કરવા બદલ તેઓ વડા પ્રધાન સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવશે અને જણાવ્યું હતું કે ચૂંટણી પહેલાં રાજકીય ફાયદા માટે વડા પ્રધાને આમ કર્યું છે. `આજની જાહેરાત વડા પ્રધાનની એક વધુ અમર્યાદિત નાટકબાજી અને પ્રસિદ્ધિ મેળવવાનો પ્રકાર છે. જેથી રાજકીય ફાયદો મળી શકે,’ એમ મમતા બેનરજીએ જણાવ્યું હતું.

