વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સરકારે કાયદો કડક કર્યો તેથી દેશમાંથી નીરવ મોદી અને વિજય માલ્યા ભાગી ગયા. ભારતીય સમાચાર ચૅનલ રિપબ્લિક ભારતને આપેલા ઇંટરવ્યૂમાં નરેન્દ્ર મોદીએ કહ્યું, “જ્યારે મારી સરકાર બની અને દેશની આર્થિક સ્થિતિ મારી સામે આવી તો મારી પાસે બે વિકલ્પ હતા.” “પહેલો વિકલ્પ એ હતો કે હું લોકોને હકીકત જણાવું કે આ લોકોએ કેટલા પૈસા બનાવ્યા.” “બીજો વિકલ્પ હતો કે દેશહિતમાં સ્થિતિ સંભાળવાની કોશિશ કરું, બધું પાટા પર લાવું. મેં સ્વાર્થી રાજનીતિનો રસ્તો ન અપનાવ્યો.” “મેં એવું વિચાર્યું કે મોદીની બદનામી થતી હોય તો થઈ જાય. અમારાં પગલાંને કારણે આ લોકો દેશમાંથી ભાગ્યા.” “પછી અમે કાયદો બનાવ્યો કે દુનિયાના કોઈ પણ ખૂણામાં તેમની સંપત્તિ જપ્ત થઈ શકે છે.” વડા પ્રધાને કહ્યું, “અમે વિજય માલ્યાના દેવાથી વધુ સંપત્તિ જપ્ત કરી છે. માલ્યાનું દેવું તો 9 હજાર કરોડ હતું પણ અમારી સરકારે તો દુનિયાભરમાં તેમની 14 હજાર કરોડની સંપત્તિ જપ્ત કરી છે.” “પહેલાં લોકો ભાગતા હતા અને સરકાર નામ પણ કહેતી નહોતી. અમે તો કડક પગલાં લીધાં એટલે એમને ભાગવું પડ્યું છે.”

