નાગરિકતા સંશોધન કાયદાને લઈ પશ્ચિમ બંગાળમાં છેલ્લા પાંચ દિવસથી ભારે હિંસા વ્યાપેલી છે ત્યારે આ બધા વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે એક વિશાળ રેલીનું આયોજન કરી તેનો વિરોધ કર્યો હતો.
તૃણમૂલ કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલી રેલીમાં હાજર રહેલા મમતા બેનર્જીએ કોમી સંવાદિતા તેમનું મુખ્ય લક્ષ્ય હોવાનું જણાવીને તેઓ પશ્ચિમ બંગાળમાં એનઆરસી લાગુ નહીં થવા દે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે કેન્દ્રની મોદી સરકારના ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ સૂત્ર પર પણ નિશાન સાધ્યું હતું.
મમતા બેનર્જીએ તેઓ રાજ્યમાં નાગરિકતા સંશોધન કાયદાને લીલી ઝંડી નહીં બતાવે તેવી સ્પષ્ટતા કરી હતી. સાથે જ એનઆરસી અને નાગરિકતા કાયદાને ગેરબંધારણીય પણ ગણાવ્યા હતા. રેલીના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં રસ્તા રોકવાની અને ટ્રેન રોકવાની ઘટનાઓ બની હતી. જો કે, મમતા બેનર્જીએ લોકોને કાયદાની મર્યાદા રાખી પ્રદર્શન કરવા વિનંતી કરી હતી.
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં મમતા બેનર્જી કોલકાતાના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં ટીએમસીના કાર્યકરો પણ ભારે સંખ્યામાં ઉપસિૃથત રહ્યા હતા.
‘સૌનો સાથ, સૌનો વિકાસ’ સૂત્રને નિશાન પર લેતા મમતા બેનર્જીએ જણાવ્યું કે, ‘અહીં માત્ર ભાજપ બચે અને બાકીના બધા જતા રહે તે ભાજપની રાજનીતિ છે. પરંતુ તે કદી શક્ય નહીં બને. ભારત બધાનું છે. જો સૌૈનો સાથ નહીં રહે તો સૌનો વિકાસ કેવી રીતે થશે? નાગરિકતા કાયદો શા માટે છે?’
નાગરિકતા સંશોધન કાયદા અંગેના વિરોધને યોગ્ય ઠેરવતાં મમતા બેનર્જીએ જણાવ્યું કે, ‘પહેલા હું એકલી તેના વિરોધમાં હતી. આજે દિલ્હીના મુખ્યમંત્રીએ પણ પોતે તેને મંજૂરી નહીં આપે તેવી જાહેરાત કરી છે.
બિહારના મુખ્યમંત્રીએ પણ પોતે એનઆરસીને મંજૂરી નહીં આપે તેમ કહેલું. હું તેમને કહેવા માંગીશ કે તેઓ નાગરિકતા સંશોધન કાયદાને પણ અમાન્ય રાખે. મધ્ય પ્રદેશ, પંજાબ, છત્તીસગઢ અને કેરળના મુખ્યમંત્રીએ પણ આવું કહ્યું છે અને બધાએ આ કહેવું જોઈએ.’

