CAA : જામિયા બહાર વિદ્યાર્થીઓ, સ્થાનિકોનો શાંતિપૂર્ણ વિરોધ યથાવત

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

નાગરિકતા સંશોધન કાયદો (CAA) તેમજ નેશનલ રજીસ્ટર ઓફ સિટિઝન્સ (NRC) વિરુદ્ધ રોષને પગલે દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી બહાર વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિકો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા એકત્ર થયા છે. દિલ્હીની કડકડતી ઠંડીમાં પ્રદર્શનકારીઓ હાથમાં પ્લેકાર્ડ તેમજ રાષ્ટ્રધ્વજ લઈને શાંતિથી વિરોધ કરી રહ્યા છે.

નાગરિકતા સંશોધન કાયદાની વિરોધમાં જામિયામાં રવિવારે થયેલી હિંસા બાદ ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે ત્યારે મંગળવારે કેટલાક લોકોએ કેમ્પસ બહાર એક રેલી પણ યોજી હતી. જો કે આ રેલીથી ટ્રાફિક પર કોઈ પ્રતિકૂળ અસર ના પડે તેની કાળજી લેવામાં આવી હતી.  

કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં હિંસા અને પોલીસના દમનને પગલે મોટાભાગના વિદ્યાર્થીઓ ઘરે પરત ફર્યા છે પરંતુ તેઓએ નાગરિકતા સંશોધન બિલ પરત ખેંચવા માટે લડત ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

રવિવારે થયેલી હિંસક અથડામણ બાદ આ બીજા દિવસે વિદ્યાર્થીઓ અને સ્થાનિકો દ્વારા શાંતિપૂર્ણ દેખાવો યોજાઈ રહ્યા છે. સોમવારે હજારો વિદ્યાર્થીઓ જામિયા યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસ દ્વારા ટીયરગેસના શેલ છોડાયાની તપાસ કરવા માંગ કરી હતી. આ ઉપરાંત યુનિવર્સિટી સત્તાધીશોની મંજૂરી વગર પોલીસ લાઈબ્રેરીમાં પ્રવેશી હતી તેની તપાસ કરવા ઉગ્ર માંગ કરી હતી.

દિલ્હીના જામિયામાં થયેલી હિંસામાં સંખ્યાબંધ પોલીસકર્મી, વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા તેમજ ચાર સરકારી બસોને આગ ચાંપવામાં આવી હતી. આ હિંસક અથડામણમાં 100 જેટલા ખાનગી વાહનો અને 10 પોલીસ બાઈકને પણ નુકસાન પહોંચ્યું હતું. વિદ્યાર્થીઓ પર થયેલા દમનના વિરોધમાં તેમના સગા વ્હાલાઓ તેમજ મહિલાઓ પણ મોટી સંખ્યામાં વિરોધમાં જોડાઈ છે.