નાણાંમંત્રીએ સંસદમાં નાણાં બિલ પરની ચર્ચા દરમિયાન ફોરેન એક્સચેન્જ પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો (એફપીઆઇ) પર અમલી બનાવાયેલ સરચાર્જ રોલબેક કરવાનો ઇન્કાર કરતા નારાજ વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણે શેરોની જાતેજાતમાં ગાબડા નોંધાતા બીએસઇ સેન્સેક્સમાં ૫૬૦ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો.
બીજી તરફ ઘરઆંગણે સોના પરની આયાત ડયૂટી વધવાની સાથોસાથ વૈશ્વિક સ્તરે પણ કિંમતી ધાતુઓ ઉછળતા બેઉ કિંમતી ધાતુમાં તોફાની તેજીનો માહોલ સર્જાયો હતો. તાજેતરમાં રજૂ થયેલા બજેટમાં એફપીઆઇ પર સરચાર્જ લાદવાની જોગવાઈની બજાર પર પ્રતિકૂળ અસર થઈ હતી. નાણાં બિલ પરની ચર્ચા દરમિયાન નાણાંમંત્રીએ આ મુદ્દે રોલબેક નહી કરવાની સ્પષ્ટતા કરતા બજારનું મોરલ ખરડાઈ જવા પામ્યું હતું. આ ઉપરાંત એશિયન ડેવલપમેન્ટ બેંકે જીડીપીના અંદાજમાં ઘટાડો કરતા તેની પણ બજાર પર પ્રતિકૂળ અસર થવા પામી હતી.
ઉપરોક્ત અહેવાલો પાછળ ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણ પાછળ આજે ઇન્ટ્રા ડે સેન્સેક્સ ૬૨૬ પોઇન્ટ તૂટયા બાદ કામકાજના અંતે ૫૬૦.૪૫ પોઇન્ટ તૂટીને ૩૮૩૩૭.૦૧ની સપાટીએ નરમ રહ્યો હતો. જ્યારેે એનએસઇનો નિફ્ટી ૧૭૭.૬૫ પોઇન્ટ તૂટીને ૧૧૪૧૯.૨૫ની સપાટીએ નરમ રહ્યો હતો. સેન્સેક્સમાં બોલેલ ૫૬૦ પોઇન્ટના કડાકાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાંથી (બીએસઇ માર્કેટ કેપ) રૂા. ૨.૧૨ લાખ કરોડનું ધોવાણ થતા કામકાજના અંતે તે રૂા. ૧૪૫.૩૪ લાખ કરોડ રહ્યું હતું. એફ.આઇ.આઇ.એ આજે રૂા. ૯૫૦ કરોડની વેચવાલી હાથ ધરી હતી.
તાજેતરમાં રજૂ થયેલા બજેટમાં સોના પરની આયાત ડયૂટીમાં વધારો થવાની સાથોસાથ વૈશ્વિક બજારોમાં પણ ઉદ્ભવેલ તેજીના પગલે ઘરઆંગણના બુલિયન બજારોમાં પણ તોફાની તેજીનો માહોલ છવાયેલો હતો.નવી લેવાલી પાછળ વૈશ્વિક બજારોમાં સોનું ૧૪૫૩.૫૦ ડોલરને સ્પર્શી ૧૪૩૭.૩૦ ડોલર રહ્યું હતું. જ્યારે ચાંદી ૧૬.૪૮ ડોલરને સ્પર્શી ૧૬.૩૫ ડોલર મૂકાતી હતી.
ઉપરોક્ત અહેવાલો પાછળ અમદાવાદ સોના-ચાંદી બજાર ખાતે ચાંદી રૂા. ૭૦૦ વધીને રૂા. ૪૧,૨૦૦ની એક વર્ષની ઉંચી સપાટીએ પહોંચી હતી. જ્યારે સોનું (૯૯.૯૩) રૂા. ૩૦૦ વધીને ૩૬૩૦૦ અને (૯૯.૫) ૩૬૧૫૦ની સપાટીએ રહ્યા હતા. મુંબઈ ખાતે ચાંદી ૪૦૫૮૫ અને સોનું (૯૯.૫) ૩૫૦૫૭ અને સોનું (૯૯.૯) ૩૫૧૯૮ના મથાળે મજબૂત રહ્યું હતું.
સેન્સેક્સમાં નોંધાયેલા મોટા કડાકા
તારીખ | કડાકો (પોઇન્ટમાં) |
૪ ઓક્ટોબર ,૨૦૧૮ | ૮૦૬ |
૮ જુલાઈ ,૨૦૧૯ | ૭૯૩ |
૧૯ જુલાઈ ,૨૦૧૯ | ૫૬૦ |
૫ જૂન ,૨૦૧૯ | ૫૫૩ |
૫ ઓક્ટોબર ,૨૦૧૮ | ૭૯૨ |
૧૧ ઓક્ટોબર ,૨૦૧૮ | ૭૬૦ |
૧૦ ડિસેમ્બર ,૨૦૧૮ | ૭૧૩ |
૨૧ ડિસેમ્બર ,૨૦૧૮ | ૬૮૯ |
૬ ડિસેમ્બર ,૨૦૧૮ | ૫૭૨ |