શું ભાજપ આરએસએસના પ્રભાવને લીધે ચૂંટણી જીતે છે?

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

સંઘના એક રિપોર્ટ અનુસાર દેશમાં 59 હજાર શાખાઓ ચાલી રહી છે. શાખાના માધ્યમથી દરરોજ સંઘના સભ્યો એકઠા થાય છે. રાજસ્થાનમાં સંઘ સાથે સંકળાયેલી પત્રિકાના સંપાદક કે. એલ. ચતુર્વેદી કહે છે કે દેશમાં વિભાગો અને મંડળ સ્તરે સંઘની ઉપસ્થિતિ છે. શું ભાજપનો વધતો પ્રભાવ સંઘની દેણ છે? આ સવાલ પર ચતુર્વેદી કહે છે, ”એવું નથી, ભાજપનું આગવું અસ્તિત્વ છે. એ ખરું કે ભાજપ વૈચારિક રીતે તેની નજીક છે પણ ભાજપનું પોતાનું સંગઠન અને શક્તિ છે.” જોકે, ચતુર્વેદી એ ચોક્કસ માને છે કે ચૂંટણીમાં સ્વયંસેવકોના પ્રયત્નોનો ભાજપને લાભ મળે છે, કેમ કે વૈચારિક રીતે બંને નજીક છે. ચતુર્વેદીના અનુસાર હાલમાં થયેલી ચૂંટણીમાં સ્વયંસેવકોની સક્રિયતાને લીધે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વધુ મતદાન થયું.

આરએસએસે છેલ્લા કેટલાક સમયમાં મીડિયા, જનસંપર્ક અને પ્રચારમાં ખાસ ધ્યાન આપ્યું છે. તેના માટે સમાજના આગેવાનો સાથે સંપર્કમાં રહેવા કૉફી-ટેબલ બુક જેવા કાર્યક્રમનો સહારો લીધો છે. ઉજ્જૈન, પટણા અને ભાગ્યનગરમાં બ્લૉગર્સ અને જાણીતા લેખકો સાથે બેઠકો કરી, જેમાં 225 લેખકોએ ભાગ લીધો હતો. સંઘે નારદમુનિને પત્રકારત્વ સાથે જોડી દીધા અને ગત બે વર્ષમાં નારદજયંતી પર અલગઅલગ જગ્યાએ કાર્યક્રમો કરીને 2000થી વધુ પત્રકારોનું સન્માન કર્યું. સંઘના રિપોર્ટ પ્રમાણે દિલ્હી, જયપુર અને ભુવનેશ્વરમાં સોશિયલ મીડિયામાં કૉન્ક્લેવનું આયોજન કરાયું. જેમાં સોશિયલ મીડિયામાં સક્રિય એક હજારથી વધુ લોકોએ ભાગ લીધો.

આરએસએસ હાલમાં 12 ભાષાઓમાં 30 પત્રિકાઓ પ્રકાશિત કરીને નિયમિત રીતે બે લાખ ગામો સુધી પહોંચાડે છે. હરિયાણામાં આ પત્રિકાઓ પહોંચાડનાર 572 પોસ્ટમૅનનું સન્માન કરાયું. સંઘે પોતાની રીતે દેશમાં 43 પ્રાંત બનાવ્યા છે. જેમાં બંગાળને ઉત્તર અને દક્ષિણ બંગાળમાં વિભાજિત કર્યું છે. ગત વર્ષે સંઘે આ બંને ભાગમાં ધાર્મિક અન સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી પોતાની મોજૂદગી વધારવાનો પ્રયાસ કર્યો છે. સંઘના રિપોર્ટ પ્રમાણે બંગાળમાં 32 સ્થળોએ રામનવમી પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી.