ફેક ન્યૂઝ અને અફવાઓ પર અંકુશ મેળવવા માટે કેન્દ્ર સરકાર આઇટી સંદર્ભે કડક કાયદાનું નિર્માણ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, સંસદના બજેટ સત્રમાં આ અંગેનું બિલ પાસ થઇ શકે છે. જે હેઠળ વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ વિરુદ્ધ પણ સરકાર કડક વલણ દાખવી શકે છે. હાલમાં જ વોટ્સએપ દ્વારા જાસૂસીનો મામલો અંગે સરકારે શંકા વ્યક્ત કરી હતી. આ અંગે કેન્દ્ર સરકારે કોર્ટમાં જણાવ્યું હતું કે, આ મામલે સરકાર ચિંતત છે કે ભારતીયોની જાસૂસી કરવામાં આવી રહી છે અને એવા લોકોના નામ ખુલી રહ્યા છે જે સરકાર વિરુદ્ધ વલણ ધરાવે છે.
સરકારે આ મામલે વોટ્સએપને સંદેશાના સ્ત્રોત જણાવવા કહ્યું હતું પરંતુ વોટ્સએપએ આ અંગે કોઇપણ જાણકારી આપવાથી મનાઇ કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે, આઇટી મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની વોટ્સએપના અધિકારીઓ સાથે બે વાર મુલાકાત થઇ ચૂકી છે, પરંતુ વોટ્સએપ આ મામલે કોઇ માહિતીની આપ-લે નથી કરી રહ્યું.
સરકારનું માનવું હતું કે તે ટીકાની વિરુદ્ધ નથી, પરંતુ અસામાજીક તત્વો પર અંકુશ મેળવવો જરુરી છે. સરકારે વોટ્સએપને કહ્યું હતું કે, તમે માત્ર સંદેશાના એ સ્ત્રોતોની જાણકારી આપો જે અફવાઓ ફેલાવે છે. વોટ્સએપને ચાર દિવસની અંદર જવાબ આપવા જણાવવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, ભારતમાં મોબ લિંચિંગ મામલાઓ વધતા વોટ્સએપ માટે નિયમોમાં ફેરફાર કરી ફોરવર્ડ મેસેજની સંખ્યા ઘટાડીને પાંચ કરી દેવામાં આવી હતી. ભારતની પહેલ પછી અમેરિકા, બ્રિટન, બ્રાઝીલ અને મેક્સિકોએ પણ આ મામલે વોટ્સએપ સામે સખત વલણ અપનાવ્યું હતું.