ગુજરાત ઉપર હવે ‘મહા’ સંકટના ઓળા, ૬-૭ નવેમ્બરે વેરાવળ પાસે ટકરાશે

ગુજરાત મુખ્ય સમાચાર

દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ભારતમાંથી સત્તાવાર વિદાય પછી ઋતુચક્રના બદલાવને પગલે અરબી સમુદ્રમાં જવલ્લેજ બનતી ઘટનાએ ગુજરાત ઉપર ફરીથી વાવાઝોડાનું સંકટ પેદા કર્યું છે. ગુજરાતના દરિયાકાંઠે, ખાસ કરીને વેરાવળ ખાતે ૬ અથવા ૭ નવેમ્બરે શક્તિશાળી ‘મહા’ વાવાઝોડું ત્રાટકે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે.

ચોમાસાના પ્રારંભે ગુજરાતના દરિયાકાંઠે ‘વાયુ’ વાવાઝોડાની અસરો સહન કર્યા પછી ફરીથી એક નવી જ કુદરતી આપત્તિનું સંકટ પેદા થયું છે. રાજ્યમાં ચોમાસું વિલંબથી શરૂ થયા પછી છેક ઓક્ટોબર મહિના સુધી ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. આ પછી દિવાળીના તહેવારો દરમિયાન ‘ક્યાર’ વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડેલા વરસાદથી ખેડૂતોની હાલત અત્યંત કફોડી થઈ ગઈ છે, ત્યારે હવે નવું સંકટ ખરેખર ત્રાટકશે અથવા તો તેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકશે તો કૃષિ પેદાશોને જબ્બર નુકસાન થવાની દહેશત છે.

અરબી સમુદ્રમાં ‘ક્યાર’ વાવાઝોડાએ ઓમાનની દિશા પકડ્યા પછી લક્ષદ્વીપ નજીક સર્જાયેલા સાયક્લોનિક સિસ્ટમે ગુરુવારે ‘મહા’ ચક્રવાતનું રૂપ ધારણ કર્યું છે. અત્યંત શક્તિશાળી બની ચૂકેલું વાવાઝોડું ઓમાન નજીક ડિપ્રેશનમાં તબદીલ થઇ ગયેલા ‘ક્યાર’ વાવાઝોડા સાથે મર્જ થશે એવી હવામાન ખાતાની ગણતરીથી વિપરીત અરબી સમુદ્રમાં ગુજરાત તરફ આગળ વધી પાંચ નવેમ્બર બાદ ગમે ત્યારે વેરાવળ પાસે ત્રાટકે તેવી આગાહી કરવામાં આવી છે. જેના પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર અને સ્થાનિક વહીવટી તંત્ર અત્યારથી સાબદાં થયા છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના જારી કરવામાં આવી છે.

ગુજરાતના હવામાન ખાતાના ડિરેક્ટર જયંત સરકારે જણાવ્યું છે કે, હાલ લક્ષદ્વીપ પાસે સર્જાયેલું ‘મહા’ ચક્રવાત હવે શક્તિશાળી બનીને અરબી સમુદ્રમાં ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં ૨૧ કિ.મી.ની ગતિથી આગળ વધી રહ્યું છે. હાલ તે વેરાવળથી દક્ષિણ-પશ્ચિમમાં ૬૧૦ કિ.મી. દૂર અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયેલું છે. આ વાવાઝોડું બે નવેમ્બરે પશ્ચિમ-ઉત્તર ઉત્તર દિશામાં આગળ વધશે. ૪-૫ નવેમ્બર દરમિયાન તેની દિશા મધ્ય અરબી સમુદ્ર તરફની રહેશે અને પાંચ નવેમ્બરની સાંજ પછી તેની દિશા ઉત્તર-પૂર્વીય બની વેરાવળ તરફ ગતિ કરશે. આને પગલે ૬ અથવા ૭ નવેમ્બર દરમિયાન ‘મહા’ વાવાઝોડું વેરાવળની દક્ષિણ-પશ્ચિમ તરફ આવી પહોંચશે ત્યારે જમીન ઉપર પવનની ગતિ ૮૦ કિ.મી. સુધી પહોંચી શકે છે.

તેમણે ઉમેર્યું કે, ‘મહા’ વાવાઝોડાની ગુજરાત તરફની ગતિના કારણે શનિવારથી રાજ્યના ઘણાં ભાગોમાં વાદળો છવાશે, કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, ભારે પવન સાથે વરસાદ કે કરાં પડી શકે છે. આની સાથોસાથ જ્યારે વાવાઝોડું ગુજરાતની નજીક આવશે ત્યારે વેરાવળ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર તેમજ દક્ષિણ ગુજરાતના કાંઠાના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. ૮ નવેમ્બર સુધીમાં આ વાવાઝોડું ગુજરાતની જમીનને ટકરાઇ નબળું પડશે, પરંતુ તેના લીધે આ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ પેદા થશે.

અહીં નોંધવુ જરૂરી છે કે જૂન મહિનામાં ‘વાયુ’ વાવાઝોડાએ ૧૦મી જૂને અરબી સમુદ્રમાં ફંટાયા પછી કચ્છ તરફ ગતિ કરી હતી. મહા વાવાઝોડાના કિસ્સામાં પણ આવું જ થયું છે. અગાઉ ઓમાન તરફ ફંટાશે એવી ગણતરી હતી. જે હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.