ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ( TRAI)એ પહેલી વાર ટેલિફોનની રિંગ મામલે તેનો સમય નક્કી કરતો નિર્ણય લીધો છે. TRAIના નવા નિયમ મુજબ હવે મોબાઇલ પર 30 સેકન્ડ અને લેન્ડલાઇન પર 60 સેકન્ડ સુધી રિન્ગ વાગશે. શુક્રવારે ટેલીકોમ સેવાઓ ક્ષેત્રે ગુણવત્તા વધારવા મુદ્દે TRAIએ આ નિર્ણય લીધો હતો.
દેશભરમાં ટેલીકોમ સેવાઓની ગુણવત્તા અંગે જણાવતા TRAIએ કહ્યું કે, ઇનકમિંગ કોલ્સનો જો તરત જવાબ આપવામાં ન આવ અથવા તેમને કટ કરવામાં ન આવે તો કોલ્સની સૂચના આપતી ફોનરિંગ મોબાઇલ સેવાઓ માટે 30 સેકન્ડ અને લેન્ડલાઇન માટે 60 સેકન્ડ રહેશે.
ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યાર સુધી ફોન પર આવતા કોલ્સ પર વાગતી રિંગની કોઇ સમય મર્યાદા નક્કી કરવામાં આવી ન હતી. ટેલીકોમ કંપનીઓ કોલ્સ સાથે જોડાયેલા પૈસા (કોલરેટ)નો લાભ લેવા માટે જાતે જ રિંગની સમય મર્યાદા ઘટાડતી હતી, જેથી અન્ય નેટવર્કવાળા ગ્રાહકો તેમના નેટવર્ક પર કોલબેક કરવા માટે બંધાય.
નોંધનીય છે કે ટૂંક જ સમયમાં પ્રમુખ ટેલીકોમ કંપની તરીકે ઉભરી આવેલી રિલાયન્સ Jioએ જાતે જ કોલ રિંગીંગ સમય ઘટાડીને 25 સેકન્ડ કરી દીધો હતો. હવે આ નવા નિયમ મુજબ Jio યૂઝર્સના ફોન પર પણ રિંગ 30 સેકન્ડ સુધી વાગશે.

