બેન્કો દ્વારા પોતાના ગ્રાહકોને અનેક વખત સૂચના આપવામાં આવે છે કે કોઈ પણ બેન્ક કયારેય પોતાના ગ્રાહકનો કાર્ડ નંબર અથવા ઓટીપી માંગતી નથી, આમ છતાં હજારો લોકો લાલચમાં આવી બેન્કના નામે ફોન કરનાર ગઠીયાને કાર્ડ નંબર અને ઓટીપી નંબર આપે છે અને પછી પછતાય છે, સામાન્ય માણસ આવી ભુલ કરે તો સમજાય પણ ગુજરાત પોલીસના એક સિનિયર આઈપીએસ અધિકારીના પત્નીએ ડીવીન્ડ આવ્યું છે તેવો ફોન આવતા પોતાના ખાતાની તમામ વિગત ફોન કરનારને આપી દીધી હતી. જેના કારણે તેમણે દોઢ લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. જો કે આ આઈપીએસ અધિકારીઓ પોલીસ ફરિયાદ કરવાને બદલે બેન્ક અધિકારીઓને ધમકાવવાની શરૂઆત કરતા આ ઘટના જાહેર થઈ છે.
હાલમાં સુરતમાં ફરજ બજાવી રહેલા ગુજરાત પોલીસના આ સિનિયર આઈપીએસ અધિકારીનો પરિવાર અમદાવાદ રહે છે અને આ આઈપીએસ અધિકારીના પત્નીનું એકાઉન્ટ અમદાવાદની આઈસીસીઆઈ બેન્ક છે. આ મેડમને થોડા દિવસ પહેલા કોઈએ ફોન કરી પોતાની ઓળખ બેન્કના અધિકારી તરીકે આપી અને જણાવ્યું હતું કે, તમારૂ ડીવીન્ડ આવ્યું છે જે ક્યા એકાઉન્ટમાં તમે લેવા માગો છો તેની વિગત આપો. આમ ડીવીન્ડ આવ્યું છે તેવું સાંભળતા મેડમે કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર પહેલા પોતાના એકાઉન્ટ નંબરની વિગત આપી હતી ત્યાર બાદ ફોન કરનાર તમારા ફોન ઉપર એક ઓટીપી નંબર આવ્યો છે. તેવી વિગત માંગતા શિક્ષીત મેડમે ફોન કરનાર ઉપર જરા પણ શંકા કર્યા વગર ફોન મંબર ઉપર આવેલો ઓટીપી પણ આપી દીધો હતો.
બે દિવસ પછી મેડમને જાણ થઈ કે દિલ્હીની ડીસીબી બેન્કમાં તેમના ખાતામાંથી દોઢ લાખ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા છે, આમ આઈપીએસ અધિકારીના પત્ની ખાતામાં ગઠીયાએ દોઢ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા, આ ઘટના પછી મેડમે પોતાના પતિને જાણ કરતા તેમણે ડીસીબી બેન્કના જે એકાઉન્ટમાં પૈસા જમા થયા હતા ત્યાં તપાસ કરાવતા ગઠીયાએ તે રકમ ઉપાડી લીધી હોવાની જાણકારી મળી હતી. પોતાના તાબાના પોલીસ અધિકારીઓ ઉપર હાથ ઉપાડવા માટે જાણિતા આ પોલીસ અધિકારીની પત્ની સાથે ગઠીયો ખેલ કરી જતા પૈસા કરતા વધુ પોતાની આબરૂ ગઈ તેવી લાગણી સાથે આ આઈપીએસ અધિકારીએ આઈસીઆઈસીઆઈ તેમજ ડીસીબી બેન્કના અધિકારીઓને ફોન કરી ખખડાવવાની શરૂઆત કરી હતી, પરંતુ સુરતના બેન્ક અધિકારીઓ મેડમનું બેન્ક ખાતુ અમદાવાદ છે તેમ જણાવી અમદાવાદ ફરિયાદ કરવા જણાવ્યું હતું.
જો કે હજી સુધી આ મામલે સુરત સ્થિત આ આઈપીએસ અધિકારીએ પોલીસ ફરિયાદ કરી નથી, તેમના માટે દોઢ લાખ રૂપિયા બહુ જ મામુલી રકમ છે પણ તેમના ઘરમાં ચોરે ખાતર પાડવાની હિંમત કરી તે જ મોટી વાત છે.