સની દેઓલે પોતાના પહેલાં ચૂંટણી ભાષણમાં કહ્યું, ”હું દેશભક્ત છું અને તમારા પ્રેમને કારણે જ અહીંયા આવ્યો છું”

મુખ્ય સમાચાર રાજકીય

સની દેઓલે પોતાના પહેલાં ભાષણમાં કહ્યું હતું, ”આ અઢી કિલોનો હાથ જેના પર પડે છે, તે ક્યારેય ઊભો થઈ શકતો નથી. મને આ તાકત તમારા વિશ્વાસ તથા પ્રેમમાંથી મળી છે. હું અહીંયા આવ્યો છું કારણ કે તમે લોકોએ મને બોલાવ્યો છે.” વધુમાં સનીએ કહ્યું હતું, ”મારા પિતાએ મને કહ્યું હતું કે પંજાબના દરેક વ્યક્તિના દિલમાં તું છે. તું ત્યાં જા, બધા જ તને પ્રેમ કરશે. તમે કરો છો એના કરતાં હું તમને વધારે પ્રેમ કરું છું અને દિલથી કરું છું. રાજકારણ અંગે મને બહુ ખ્યાલ નથી પરંતુ હું દેશભક્ત છું અને હું તમને અહીંયા કોઈ વચન આપવા આવ્યો નથી.”

સની દેઓલે ઉમેર્યું હતું, ”હું તમને મારી સાથે જોડવા આવ્યો છું. કારણ કે હું ઈચ્છુ છું કે મારું પંજાબ તથા મારો દેશ ત્યાં પહોંચે, જેના માટે લોકોએ પોતાની કુરબાની આપી હતી. આપણે તે ઈતિહાસને યાદ કરીને ભેગા થવાની જરૂર છે. તમે મારી સાથે આવો અને આપણે લડીને જીતીશું. આપણી જીત નક્કી છે. તમારામાંથી એક પણ વ્યક્તિએ ડરવાની જરૂર નથી કારણ કે હું તમારી સાથે જ છું. મોદીજી આપણી સાથે છે. આપણે મોદીજીને જીતાડવાના છે અને જો તમે મને જીતાડશો તો મોદીજી જીતશે અને આપણે બધા જીતીશું. હું દિલથી કહું છું કે તમારે જે પણ જોઈતું હશે, તે તમામ વસ્તુઓ હું તમને આપીશ. હું તમારો જ છું અને ક્યાંય જવાનો નથી.”