શ્રીલંકામાં સાધ્વીના વેશમાં આતંકી મહિલાઓ બૌદ્ધ મંદિરોને ઉડાવવાની ફિરાકમાં, હાઇએલર્ટ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

શ્રીલંકામાં હજુ પણ મોટા હુમલાની ભીતી છે, જેને પગલે અનેક ગુપ્ત રિપોર્ટ પણ સામે આવી રહ્યા છે. હાલના રિપોર્ટ અનુસાર શ્રીલંકામાં અનેક બુદ્ધ મંદિરો આતંકીઓના નિશાના પર છે અને આ હુમલા કોઇ મહિલા બોમ્બર કરી શકે છે.

પ્રતિબંધીત આતંકી સંગઠન નેશનલ થાવહીથ જમાત (એનટીજે)ની મહિલા આતંકીઓ દ્વારા આ હુમલાને અંજામ આપવામા આવી શકે છે જેને પગલે શ્રીલંકામાં અનેક વિસ્તારોમાં હાલ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને જે વિસ્તારમાં બુદ્ધ મંદિરો અને પ્રતિમા આવેલી છે જ્યાં લોકોની સઘન તપાસ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

શ્રીલંકામાં હાલ બૌદ્ધ સાધ્વીઓ જે પ્રકારના કપડા પહેરે છે તેના જેવા જ કપડા કેટલાક સ્થળો પર દરોડા દરમિયાન મળી આવ્યા છે. જેને પગલે એવી શક્યતાઓ છે કે આ કપડા આતંકી સંગઠનોમા ંસામેલ મહિલાઓ માટે જ ખરીદવામાં આવ્યા હતા, અને તેને પહેરીને બુદ્ધ મંદિરોને નિશાન બનાવવાનું એક કાવતરુ હતું જે ઝડપાઇ ગયું છે.

શ્રીલંકાના ૩૦ હજાર રૃપિયા ખર્ચીને મહિલાઓએ આશરે નવ જેટલા આવા શંકાસ્પદ કપડા ખરીદ્યા હતા, જે દરોડા દરમિયાન મળી આવ્યા છે. એવી પણ શક્યતાઓ છે કે આ કપડા પહેરીને હાલ મહિલા આતંકીઓ પોતાને બૌદ્ધ સાધ્વીના વેશમાં છુપાવી રહી છે.