રાજ્યમાં 3 દિવસ ઈન્ટરનેટ બંધ કરવાની સત્તા ADGPને અપાઈ, જરૂર જણાય તો જ સેવા બંધ કરાવી શકે છે

ગુજરાત મુખ્ય સમાચાર

ગઈકાલે અમદાવાદના શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારો થયો હતો અને આજે વડોદરામાં પણ પથ્થરમારાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે રાજ્ય સરકારે અગમચેતીના ભાગરૂપે રાજ્યમાં ત્રણ દિવસ ઈન્ટરનેટ સેવા બંધ કરી શકે છે. ગુપ્તચર સંસ્થાના નોટિફિકેશન બાદ રાજ્ય સરકારે ઈન્ટરનેટ સેવા બંધ કરવા આદેશ આપ્યા છે. જો કે ઈન્ટરનેટ સેવા જરૂર જણાશે તો જ બંધ કરાશે અને તેની સત્તા એડીજીપી ( ઈન્ટેલિજન્સ)ને આપવામાં આવી છે.
સરકારે કરેલા આદેશ મુજબ 20થી 22 ડિસેમ્બર દરમિયાન ઇન્ટરનેટ સેવા બંધ રાખવા ઈન્ટેલિજન્સના એડીજીપીને અધિકાર અપાયા છે. રાજ્યમાં ઉગ્ર દેખાવો અને કન્ટ્રોલ બહાર જતી દેખાય તેવી સ્થિતિ હોય ત્યારે ઈન્ટરનેટ બંધ કરાશે. જે વિસ્તારમાં તંગદિલીભરી સ્થિતિ હોય ત્યાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવે તેવી શક્યતા છે. અમદાવાદમાં ગઈકાલે થયેલા પથ્થરમારા બાદ સ્થિતિ કાબૂમાં છે જ્યારે વડોદરામાં થયેલા જુમ્માની નમાઝ બાદ થયેલા પથ્થરમારા બાદ પોલીસ ઘટનાસ્થળે છે અને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે. રાજ્યમાં આવી કોઈ ઘટનાઓ બને અને સ્થિતિ વણસતી જણાય તો જ ઈન્ટરનેટ સેવાને બંધ કરાશે.