ઉતર પ્રદેશના ઉન્નાવ દુષ્કર્મ કેસમાં દોષી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર(53)ને દિલ્હી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ સિવાય કોર્ટે તેને 25 લાખનો દંડ પણ કર્યો છે. 2017માં કુલદીપ અને તેના સાથીઓએ ઉન્નાવમાં છોકરીનું અપહરણ કરી સામુહિક દુષ્કર્મ કર્યું હતું. જુલાઈ 2019માં પીડિતાની કાર અને ટ્રકનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પીડિતાની કાકી અને મોસીનું મોત થયું હતું. પીડિતા અને તેના વકીલ ત્યારથી દિલ્હી એમ્સમાં દાખલ છે. સેંગર પર આ અકસ્માત કરવવાનો પણ આરોપ લાગ્યો હતો, જોકે તપાસમાં તેને ક્લીનચીટ આપવામાં આવી હતી.
કોર્ટે કહ્યું કે સેંગર એક નેતા હતા પરંતુ તેણે લોકોનો વિશ્વાસ ગુમાવ્યો. કોર્ટે પીડિતાને વળતર તરીકે 10 લાખ રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે. દોષી સેંગરે આ રકમ એક મહિનાની અંદર આપવાની રહેશે.
યુપી સરકાર 1 વર્ષ સુધી પીડિતાના પરિવારને 15 હજાર રૂપિયા પ્રતિ માસ આપેઃ કોર્ટ
કોર્ટે સીબીઆઈને પીડિતા અને તેના પરિવારની સુરક્ષા સંબધિત જાણકારી દર 3 મહિને લેવા માટેનો નિર્દેશ આપ્યો છે. પીડિતા અને તેનો પરિવાર અગામી એક વર્ષ સુધી દિલ્હી મહિલા આયોગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા ઘરમાં જ રહેશે. કોર્ટે કહ્યું આ ઘર માટે યુપી સરકાર દર મહિને પીડિતા અને તેના પરિવારને 15 હજાર રૂપિયા આપે.
આ પહેલા ઉતર પ્રદેશના ઉન્નાવ દુષ્કર્મ કેસના દોષી ધારાસભ્ય કુલદીપ સેંગરની સજા પર શુક્રવારે દિલ્હી કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ હતી. મંગળવારે પણ કોર્ટમાં કુલદીપની સજા પર દલીલ થઈ હતી. સોમવારે કોર્ટે કુલદીપને સગીર છોકરીનું અપહરણ કરીને દુષ્કર્મ કરવા બદલ દોષી ઠેરવ્યો હતો.
મંગળવારે સજા પર થયેલી દલીલ દરમિયાન સીબીઆઈએ દોષી ધારાસભ્ય માટે વધુ સજાની માંગ કરી હતી. આ સિવાય પીડિત માટે યોગ્ય વળતરની પણ માંગ કરી હતી. જ્યારે સેંગરના વકીલે કોર્ટને તેની ઓછી સજા કરવા માટે રજૂઆત કરી હતી. વકીલે કહ્યું હતું કે સેંગરને બે સગીર છોકરીઓ છે અને તેનો પહેલાનો કોઈ આપરાધિક રેકોર્ડ પણ નથી. આ કારણે સજા સંભળાવતી વખતે આ બાબતો પર પણ વિચાર કરવામાં આવે.
વગદાર માણસની વિરુદ્ધ પીડિતાનું નિવેદન સાચુ: કોર્ટ
સોમવારે તીસ હજારી કોર્ટે હાકી કઢવામાં આવેલા ધારાસભ્ય કુલદીપને દોષી ઠેરવતા કહ્યું હતું કે એક વગદાર માણસની વિરુદ્ધ પીડિતાનું નિવેદન સાચુ અને નિષ્કલંક છે. પીડિતા તરફથી કોર્ટમાં દોષીને આજીવન કેદની સજા થાય તેવી અપીલ કરવામાં આવી હતી. કોર્ટે આ મામલામાં સહ-આરોપી શશિ સિંહને બરી કરી હતી.
મામલો 2017નો હતો
ઉન્નાવમાં કુલદીપ સેંગર અને તેના સાથીઓએ 2017માં છોકરીનું અપહરણ કરીને તેની પર સામુહિક દુષ્કર્મ કર્યું હતું. આ વર્ષે જુલાઈમાં પીડિતાની કારનો ટ્રક સાથે અકસ્માત થયો હતો. અકસ્માતમાં પીડિતાની કાકી અને માસીનું મૃત્યુ થયું હતું. પીડિત છોકરી અને તેના વકીલ ત્યારથી દિલ્હી એમ્સમાં દાખલ છે. સેંગર હાલ તિહાડ જેલમાં બંધ છે.

