AN-32 વિમાન : બ્લેક બોક્સ ડેમેજ થયું હોવાથી અકસ્માતનો ભેદ ઉકેલવામાં મુશ્કેલી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દુર્ઘટનાગ્રસ્ત બનેલાં AN-32 વિમાનના કાટમાળમાંથી બ્લેક બોક્સ મળી આવ્યું હતું. ફ્લાઈટ રેકોર્ડર અને કોકપિટ રેકોર્ડરના આધારે અકસ્માતનું કારણ જાણી શકાશે એવી આશા વ્યક્ત થઈ હતી, પરંતુ બ્લેકબોક્સ ડેમેજ હોવાથી ડેટા મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

આસામમા જોરહાટથી અરૂણાચલ પ્રદેશના મેચુકા જઈ રહેલું AN-32 વિમાન અરૂણાચલ પ્રદેશની દુર્ગમ પહાડીઓ વચ્ચે તૂટી પડયું હતું. તેનો કાટમાળ મળ્યો હતો અને મૃતદેહો મેળવવાની કવાયત પણ શરૂ કરવામાં આવી છે. પહાડીઓમાં અતિશય ખરાબ હવામાનના કારણે દિવસોની મહેનત પછી ય બચાવટૂકડીઓને મૃતદેહો એકત્ર કરવામાં સફળતા મળી ન હતી.

દરમિયાન કાટમાળમાંથી બ્લેકબોક્સ મળી આવ્યું હતું એટલે અકસ્માતનું રહસ્ય ઉકેલાશે એવી આશા હતી. વાયુસેનાના પ્રવક્તાએ કહ્યું હતું કે બ્લેક બોક્સના કારણે ફ્લાઈટ રેકોર્ડર અને કોકપિટ રેકોર્ડરનો ડેટા મેળવી શકાશે અને તેના આધારે અકસ્માત કેવા સંજોગોમાં થયો હતો તે જાણી શકાશે.

પરંતુ હવે અધિકારીઓએ જણાવ્યું હતું કે કાટમાળમાંથી મળી આવેલું બ્લેકબોક્સ ડેમેજ થયું છે એટલે તેમાંથી ડેટા મેળવવામાં મુશ્કેલી આવી રહી છે. કદાચ ડેટા મેળવવામાં વધુ સમય લાગશે. જો ભારતમાં બ્લેક બોક્સનો ડેટા મેળવવામાં સફળતા નહીં મળે તો કદાચ વિદેશમાં મોકલાય તેવી શક્યતા પણ વ્યક્ત થઈ હતી.