12 ઓગષ્ટે અમદાવાદમાં વિક્રમ સારાભાઇની જન્મ શતાબ્દી ઉજવાશે, વાંચો તેમના જીવનના પ્રેરક કિસ્સાઓ

ગુજરાત દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમદાવાદ: ભારતની સ્પેસ ક્રાંતિના જનક ડૉ. વિક્રમ સારાભાઇની 12 ઓગષ્ટના જન્મતિથી છે. આ પ્રસંગે 12 તારીખે અમદાવાદમાં તેમનો જન્મ શતાબ્દી સમારોહ યોજવામાં આવશે. ઇસરો અને એટમિક એનર્જી કમિશનના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ શરુ થશે. તે અંતર્ગત એક વર્ષ સુધી તેમના સન્માનમાં અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવશે. આ પ્રસંગે divyabhaskar.com પર વાંચો તેમના જીવન સાથે જોડાયેલા અમુક રોચક કિસ્સાઓ અને તેમના યોગદાન વિશે.

જોશીજીના કાને અચાનક નવો શબ્દ પડ્યો- સેટેલાઇટ

અમદાવાદમાં રહેતા ડૉ. પદ્મનાભ. કે. જોશી વિક્રમ સારાભાઇ વિશેના આર્કાઇવ્સને સાચવવાનું કામ અત્યારે કરી રહ્યા છે. તેમણે સારાભાઇ પર પીએચડી કરી છે. વિક્રમ સારાભાઇએ 1966માં નેહરૂ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટની સ્થાપના કરી હતી. આ ફાઉન્ડેશનમાં અલગ અલગ વિષય પર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ટીમ બનાવીને ગામડાઓમાં સામાજિક પરિસ્થિતિઓ વિશે અભ્યાસ કરવા માટે મોકલવામાં આવતા હતાં. પદ્મનાભ જોશી પોલિટીકલ સાયન્સના વિદ્યાર્થી તરીકે આ ટીમનો હિસ્સો બનીને આણંદ ગયા હતા. ત્યાં સર્વે કરીને રિપોર્ટ પણ તેમણે મોકલી આપ્યો હતો.

જોકે રિપોર્ટ બનાવ્યા બાદ તેમને સવાલ થયો કે આ કામ કોણ કરાવી રહ્યું છે અને શા માટે ? તેમણે પૃચ્છા કરતાં ખબર પડી કે આ કામ એટમિક એનર્જી કમિશન ઓફ ઇન્ડિયાના ચેરમેન કરાવી રહ્યા છે. આ જવાબ સાંભળીને ફરી તેમને સવાલ થયો કે એટમિક એનર્જીના ચેરમેન ને સામાજિક સર્વેમાં કેમ રસ પડ્યો? આ સમયે ચેરમેન વિક્રમ સારાભાઇ હતા. તેઓ 1966 થી 1971 સુધી અહીં ચેરમેન પદે રહ્યા હતા. ત્યારબાદ પદ્મનાભ જોશીને આ સવાલોના જવાબ મેળવવા વિક્રમ સારાભાઇને મળવાની ખૂબ ઇચ્છા થઇ.

એક દિવસ તેઓ અમદાવાદમાં ફિઝીકલ રિસર્ચ લેબોરેટરીની(પીઆરએલ) ઓફિસે પહોંચી ગયા. એ અનુભવ વિશે જોશીજી સાથે વાત કરતા જણાવે છે, ” આ લેબોરેટરીની શરૂઆત 1947 સારાભાઇએજ કરી હતી. હું મળવા પહોંચ્યા તો વિક્રમભાઇના સેક્રેટરીએ પહેલાતો પત્ર લખીને માંગણી મૂકવાની વાત કહી. આ મુદ્દે અમારે વાતચીત ચાલતી હતી. અચાનક વિક્રમભાઇ દરવાજો ખોલીને બહાર આવ્યા. સેક્રેટરીને મારા વિશે પૂછ્યું તો કહ્યું કે આ ભાઇ તમને મળવા આવ્યા છે પરંતુ તેમને શું જોઇએ છે એ જણાવી શકતા નથી. વિક્રમ સારાભાઇ મને ઓફિસમાં મુલાકાત માટે લઇ ગયા. અહીં પ્રાથમિક ચર્ચા પછી મે પૂછ્યું કે તમે શા માટે ગામડાઓની સામાજિક અને આર્થિક સ્થિતિ પર સર્વે કરાવી રહ્યા છે ?

જવાબમાં વિક્રમ સારાભાઇએ કહ્યું કે -આપણે ભવિષ્યમાં સેટેલાઇટ મારફતે ગરીબ લોકો અને ગરીબ ગામડાઓના ઉત્કર્ષ કરવા માટે પ્રયોગ હાથ ધરવાનું વિચારી રહ્યા છીએ.
ત્યાની ગરીબી કેટલી છે, લોકોની કેટલી જરૂરિયાત છે તેનો ખયાલ મેળવવા માટે આ સર્વે કરાવવામાં આવી રહ્યા છે.

સેટેલાઇટ શબ્દ મેં પહેલી વખત સાંભળ્યો તો પૂછ્યું કે સેટેલાઇટ એ શું છે? 66ની સાલમાં આ શબ્દ પ્રચલિત હતો નહીં.

તો સારાભાઇએ મને પૂછ્યું, -એક અરીસો લઇને તમે છત પર ચોંટાડી દ્યો, અને તેના પર ટોર્ચના કિરણો નાખો તો શું થાય?

તો મેં કહ્યું કે એ કિરણો ટકરાઇને નીચે પાછા આવે.

તો એમણે કીધું કે બસ એને જ સેટેલાઇટ કહેવાય. જેમ આ મિરરથી કિરણો નીચે પાછા આવે એ રીતે આપણે 35000 કિલોમીટર ઉપર સેટેલાઇટ મુકીએ તો તેમાથી ટીવી, વીડિયો અને અવાજના કિરણો પાછા આવે અને આપણે આખા દેશને કવર કરી શકીએ.”

વાત કરતા જોશીજીએ કહ્યું, ”હું તો ખુબ ખુશ થઇ ગયો. મને લાગ્યું કે મારા સિવાય હવે કોઇને સેટેલાઇટ વિશે ખબર જ નહીં હોય. વિક્રમ સારાભાઇની મહાનતા વિશે કોઇ વાત થઇ શકે તેમ નથી તેવુ અદભુત તેમનું વ્યક્તિત્વ હતું. ”

”જ્યારે એક રેકડી વાળા પાસે પહોંચીને વિક્રમ ધક્કો મારવા લાગ્યા”

વિક્રમ સારાભાઇ સાથે જોડાયેલા અન્ય એક કિસ્સાને યાદ કરતા જોશીજીએ વધુમાં કહ્યું, ”એક વખત પીઆરએલમાં કોઇ ઉપકરણો મંગાવવામાં આવ્યા હતાં. તે એક રેકડી પર લઇને એક વ્યક્તિ અંદર આવી રહ્યો હતો. પરંતુ દરવાજા પાસે તે ધક્કો મારી રહ્યો હતો અને અંદર પ્રવેશ થઇ શકતો ન હતો. વિક્રમભાઇ આ દ્રષ્ય બાલકનીમાંથી જોઇ ગયા અને તરત નીચે આવ્યા. ત્યાં આવીને તેમણે એ લારીને ધક્કો મારવામાં મદદ કરી અને સાધનો અંદર પહોંચાડી દીધા. આટલા સરળ અને મહાન હતા તેઓ. ”

પહેલા વિદ્યાર્થીઓ તૈયાર કર્યાં અને પછી નેહરૂ પાસે મંજૂરી માગી

1957માં સ્પુતનિક સેટેલાઇટના લૉન્ચ પછી દુનિયાભરમાં સેટેલાઇટ અને સ્પેસ વિજ્ઞાન ક્ષેત્રમાં ભારે રિસર્ચની શરૂઆત થઇ ચૂકી હતી. રશિયા અને અમેરિકા વચ્ચે કોલ્ડવોરની સ્થિતિ પરાકાષ્ઠાએ હતી. દરેક દેશોએ કરોડો રૂપિયાના બજેટ મુકીને પોતપોતાના પ્રોગ્રામ શરૂ કરી દીધા હતા. આ સમયે 1947માં વિક્રમ સારાભાઇએ અમદાવાદમાં ફિઝીકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના કરી હતી. અહીં વિદ્યાર્થી કોસ્મિક રે(બ્રહ્મ કિરણો) પર સંશોધન કરતાં હતાં. 47 થી 1960 સુધી અહીં વિદ્યાર્થીઓને એમએસસી અને પીએચડીનો અભ્યાસ કરાવી તૈયાર કર્યા અને ત્યારબાદ નેહરૂ સામે ભારતીય અવકાશ કાર્યક્રમ માટેનો પ્રસ્તાવ મૂક્યો.

આ સમયે એટમિક એનર્જી કમિશનના ચેરમેન હોમી ભાભા હતા. નેહરૂએ આ પ્રસ્તાવ હોમી ભાભાને મોકલી આપ્યો. ડૉ. હોમી ભાભાએ એક કમિટીની રચના કરી અને અમદાવાદનું કામકાજ તપાસવા મોકલી. કમિટીનો રિપોર્ટ હકારાત્મક આવ્યો અને 1961માં ભારત સરકારે ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ (INCOSPAR)ની સ્થાપના કરવામાં આવી. આ કમિટીના ચેરમેન વિક્રમ સારાભાઇ હતા અને આ રીતે ભારતીય અવકાશ કાર્યક્રમની શરૂઆત થઇ. આ કમિટીનું હેડક્વાર્ટર અમદાવાદની પીઆરએલ હતી. આ કમિટી એટમિક એનર્જી કમિશન હેઠળ કામ કરતી હતી. અહીં રિસર્ચ અને મહેનતનું કામ ધમધોકાર શરુ થયુ. ત્રિવેન્દ્રમ નજીક થુમ્બાને ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન તરીકે પસંદ કરાયું અને 21 નવેમ્બર 1963ના સાંજે 6 વાગ્યે ભારતની ધરતી પરથી પહેલું રોકેટ સફળતાપૂર્વક છૂટ્યું.

અમેરિકા કરે એ આપણે નથી કરવાનું

સ્પુતનિકના લૉન્ચ બાદ અમેરિકાની છાતી પર એસિડ રેડાયું હતું અને તેણે કરોડો રૂપિયાનું બજેટ સ્પેસ ટેક્નોલોજી પાછળ હોમવાનું ચાલુ કર્યું હતું. જોશીજી વાત કરતા જણાવે છે, ” એક ટાઇમે વિક્રમ સારાભાઇએ તેમના વિદ્યાર્થીઓને ટ્રેનિંગ માટે નાસા મોકલ્યાં હતાં. છ મહિના બાદ જ્યારે તેઓ પાછા આવ્યા તો વિક્રમભાઇને કહ્યું કે અમેરિકામાં તો દરેક વિષય પર એક એક સેટેલાઇટ છે. ટીવી માટે એક, ભણવા માટે બીજો અને ખેતી માટે ત્રીજો.

તેના જવાબમાં વિક્રમભાઇએ કહ્યું કે આપણી પાસે એટલા પૈસા નથી. અમેરિકા પાસે પૈસા છે તો એ કરે. એટલે હવે તમે એવો સેટેલાઇટ બનાવો જે આ બધા કામ કરે. વિદ્યાર્થીઓએ ડિઝાઇન તૈયાર કરી અને ઇનસેટ નામનો સેટેલાઇટ કર્યો. ગૌરવપૂર્ણ વાત એ છે કે આ સેટેલાઇટ વિશ્વનો પહેલો મલ્ટી ફન્ક્શનલ સેટેલાઇટ છે. 1982માં તેને લોન્ચ કરવામાં આવ્યો હતો જેણે વર્ષો સુધી ખૂબજ સફળતાપૂર્વક કામ આપ્યું. ”

52 વર્ષની ઉંમરે અચાનક જતા રહ્યા

ત્રિવેન્દ્રમ એક મિટીંગ મોડી રાતે એક વાગ્યા સુધી ચાલી. ત્યારબાદ વિક્રમ સારાભાઇ ઉંઘ લેવા ગયા અને ફરી ક્યારેય ઉઠ્યા નહીં. 30 December 1971ના શહેરના હેલ્શીયન કેસલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. એક અત્યંત ગૌરવશાળી યુગનો ત્યાં અંત થઇ ગયો હતો. પદ્મનાભ જોશી કહે છે, ”તમે એક વાર મળો એટલે એમના થઇ જાવ. તેમનું સપનું સાકાર થયું છે. તેમનો ઉદ્દેશ્ય હતો કે અવકાશ વિજ્ઞાનની મદદથી સામાન્ય લોકોની મદદ કરવી છે. તેમનું સપનું સાકાર થયું છે. આજે શાકવાળા પાસે પણ મોબાઇલ છે. ”