નવી દિલ્હી: કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ(સીબીએસઇ)એ 10 અને12મા ધોરણમાં બોર્ડના વિદ્યાર્થીઓની ફીમાં વધારો કર્યો છે. એસસી-એસટી વિદ્યાર્થીઓની પરીક્ષા ફીમાં 24 ગણો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા વિદ્યાર્થીઓને 50 રૂપિયા ફી આપવી પડતી હતી જે વધીને 1200 રૂપિયા થઇ ગઇ છે. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને 1500 રૂપિયા ફી આપવી પડશે જે પહેલા કરતા બમણી છે.
બોર્ડે જણાવ્યં કે 10મા અને 12માની પરીક્ષા માટે 9 અને 11 ધોરણથી રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવશે. જોકે સ્કૂલોએ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પહેલાથીજ શરુ કરી દીધી હતી. જે વિદ્યાર્થીઓએ જૂની ફી વ્યવસ્થા પ્રમાણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમની પાસેથી નવી ફી વ્યવસ્થા અંતર્ગત રજીસ્ટ્રેશન ફી વસૂલવામાં આવશે.
દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ફી માફ
બદલાયેલા નિયમો પ્રમાણે 10મા અને 12ની પરીક્ષા ફી સમાન રહેશે. 12માની પરીક્ષામાં વધારાના વિષયો સાથે પરીક્ષા આપનાર એસસી-એસટી વિદ્યાર્થીઓને પહેલા કોઇ એક્સ્ટ્રા ફી દેવાની થતી ન હતી. જોકે હવે તેમને વધારાના 300 રૂપિયા આપવા પડશે. આવી જ રીતે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને પહેલા વધારાના વિષયો માટે 150 રૂપિયા આપવાના થતા હતા. હવે તેમને વધારાના 300 રૂપિયાની ફી આપવી પડશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને કોઇ ફી આપવાની રહેશે નહીં. બોર્ડે જણાવ્યું કે જે લોકોએ પહેલા રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમના અંતિમ તારીખ પહેલા બાકીની રકમ ચૂકવવાની રહેશે. ફી જમા ન કરાવવા પર તેમને 2019-20ની પરીક્ષામાં બેસવા દેવાની પરવાનગી નહીં મળે.
વિદેશોમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે ફી બમણી
માઇગ્રેશન ફીને 350 રૂપિયા કરવામાં આવી છે જે પહેલા 150 રૂપિયા હતી. વિદેશોમાં સીબીએસઇની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને 5 વિષયો માટે હવે 10000 રૂપિયાની ફી આપવી પડશે જે પહેલા 5000 રૂપિયા હતી. 12માના વિદ્યાર્થીઓને વધારાના વિષયો માટે 2000 રૂપિયાની ફી ભરવી પડશે જે પહેલા 1000 રૂપિયા હતી.

