અમેરિકી ઉદ્યોગપતિ અને અવકાશ વિજ્ઞાની ઈલોન મસ્કે મંગળ પ્રવાસની આર્થિક ગણતરી રજૂ કરી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે મંગળ ગ્રહના પ્રવાસનો એક દિવસનો ખર્ચ પાંચ લાખ અમેરિકી ડૉલર કે તેનાથી પણ ઓછો થઈ શકે છે. ગણતરી કરીએ તો પાંચ લાખ ડૉલર એટલે ૩.૫૩ કરોડ રૃપિયા જેવી રકમ થાય. ઈલોન અમેરિકાના ઉદ્યોગપતિ છે અને મંગળ પ્રવાસનું આયોજન કરી રહ્યા છે. એ દિશામાં તેમણે ઘણી નોંધપાત્ર કામગીરી કરી લીધી છે. તેમણે કહ્યુ હતુ કે આર્થિક રીતે સમૃદ્ધ હશે એવા દેશના લોકોને આ ટિકિટનો ભાવ મોંઘો નહીં લાગે. મંગળ ગ્રહ સુધી પહોંચવા માટે ત્રણથી છ મહિનાનો સમય લાગી શકે છે અને આ રાઉન્ડ ટ્રીપમાં રિટર્ન ટિકિટનો કોઈ ચાર્જ નહીં લેવામાં આવે. મંગળ પ્રવાસની કિંમત એટલી ઓછી હશે કે લોકો પૃથ્વી પર પોતાનું ઘર વેચીને મંગળ પર રહેવા પણ જઇ શકશે. અમેરિકાની એરોસ્પેસ મેન્યુફેક્ચરર અને સ્પેસ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ પૂરી પાડતી મસ્કની કંપની સ્પેસ એક્સ મંગળ પ્રવાસ માટેનું સ્ટારશિપ તૈયાર કરી રહી છે.

