ગુજરાતભરમાં મેઘમંડાણ, અમદાવાદ-સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અનેક વિસ્તારોમાં મેઘો મંડાયો

ગુજરાત મુખ્ય સમાચાર

વાયુ વાવાઝોડાની અસરથી પ્રિ-મોનસુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા ચારેક દિવસથી વાદળછાયુ વાતાવરણ સર્જતાં સાબરકાંઠા અને અરવલ્લીમાં છૂટા છવાયા ઝાપટાં પડી રહ્યા છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થયો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી છે.

હાલ મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના અનેક વિસ્તારોમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારબાદ અનેક વિસ્તારોમાં હાલ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં પવન સાથે વરસાદનું આગમન થયું હતું. અમદાવાદના એસ.જી હાઇવે, જજીસ બંગ્લો, બોડકદેવ, શાહીબાગ, શેલા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

મંગળવારે સાબરકાંઠા,અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હજુ ચોમાસુ શરૂ થયુ નથી પરંતુ વાવાઝોડાની અસરને કારણે ભારે વરસાદ પડી શકે તેમ હોય બંને જિલ્લાનુ તંત્ર સાબદુ થયુ છે. તંત્ર દ્વારા તમામ તાલુકા મથકોએ કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લામાં મોડી રાતથી જ વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાથે સાથે નીચાણવાળઆ વિસ્તારોમાં પાણી ભરાયાની સમસ્યા પણ જોવા મળી હતી. સાથે અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. અમરેલી શહેરમાં અનેક વિસ્તારોમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ પડવાનો શરૂ થયો છે.

વાદળછાયા વાતાવરણ વચ્ચે મોડાસા,ભિલોડા,મેઘરજ સહિતના વિસ્તારોમાં છાંટા પડયા હતા. જ્યારે ચાર વાગ્યાના અરસામાં ઈડર પંથકમાં વરસાદ તૂટી પડયો હતો. જ્યારે માલપુર પંથકમાં પણ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જિલ્લાના અનેક વિસ્તારોમાં તેજ પવન ફૂંકાતાં અમુક સમય માટે ધુળિયુ વાતાવરણ થયુ હતુ.

જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા જોઇએ તો જામનગરમાં 9 એમએમ, કાલાવડમાં 17 એમએમ, લાલપુરમાં 3 એમએમ અને જોડિયામાં 5 એમએમ વરસાદ નોંધાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ધીમીધારે વરસાદ વરસવાનો શરૂ થયો છે. આખી રાત વરસાદી માહોલ વચ્ચે સવારથે કેટલાક વિસ્તારોમાં મેઘો મડાયો હતો. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અંબાજી પંથકમાં સવારથી ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

આ ઉપરાંત કચ્છ જિલ્લાની વાત કરીએ તો જ્યાં સૌથી વધારે વાયુનો ભય રહ્યો હતો. જોકે, મોડી રાતથી વાવાઝોડું ડિપ્રેશનમાં પરિવર્તિત થયું હતું. નલિયાને ટકાઇને વાયુ પરિવર્તિ થયું હતું. આગામી સમયમાં તેની અસરો જોવા મળશે એવું હવામાન ખાતું જણાવી રહ્યું છે. ડિપ્રેશનના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે.