ISIનો ખતરનાક પ્લાન : સુરક્ષા દળોના રેશન સ્ટોકમાં ઝેર ભેળવવાનો પ્રયત્ન જેથી જમ્મુ-કાશ્મીરમાં એલર્ટ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

આતંકી સંગઠનોની મદદ માટે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈનું એક ખતરનાક ષડ્યંત્ર સામે આવ્યું છે. પાકિસ્તાની આર્મી અને આઈએસઆઈ ફરી એક વખત જમ્મુ-કાશ્મીરમાં તહેનાત ભારતીય સુરક્ષા દળોને ગંભીર નુકસાન પહોંચાડવા માટે પ્લાન બનાવી રહ્યા છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોનાં રેશન સ્ટોકમાં ઝેર ભેળવવાનો ખતરનાક પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ઝેર ભેળવવા માટે પાકિસ્તાનની આઈએસઆઈ કાશ્મીરમાં હાજર તેના એજન્ટ અને સ્લિપર સેલનો ઉપયોગ કરી શકે છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓનો આ ચોંકાવનારો રિપોર્ટ આવ્યા બાદ કાશ્મીરમાં સુરક્ષા માટે તહેનાત તમામ ફોર્સીસને એલર્ટ કરી દેવામાં આવી છે. સુરક્ષા દળોના જવાનોને સતત સતર્ક રહેવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદીના કેમ્પ અને ટેરર લોન્ચ પેડ પર ભારે બોમ્બ વર્ષા કરીને તેમને સાવ તબાહ કરી નખાયા બાદ પાકિસ્તાન ચોંકી ઊઠ્યું છે અને હવે ભારતને મોટું નુકસાન પહોંચાડવાની યોજના બનાવી રહ્યું છે. આતંકી કેમ્પ બરબાદ થઈ ગયા બાદ આઈએસઆઈ ભારે રોષમાં છે અને હવે તેણે આતંકીઓ માટે ‘કરો યા મરો’નું ફરમાન જારી કરી દીધું છે. ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીઓના અહેવાલો અનુસાર, રાજધાની દિલ્હી સહિત દેશના અનેક શહેરમાં મહત્વનાં સ્થળ આ આતંકીઓનાં નિશાન પર છે. આ કારણે દિલ્હીમાં રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.