કુંભમાં આજે મહાશિવરાત્રીનું અંતિમ સ્નાન છે શ્રદ્ધાળુઓ સંગમમાં ડૂબકી લગાવવાનો આનંદ મેળવી રહ્યા છે.

દેશ-વિદેશ ધર્મદર્શન મુખ્ય સમાચાર

દુનિયાના સૌથી અનોખા અને મોટા આધ્યાત્મિક પર્વ કુંભમાં આજે મહાશિવરાત્રીનું અંતિમ સ્નાન છે, તેની સાથે ૪૯ દિવસ સુધી ચાલનાર મેળો પૂરો થઈ જશે. રાત્રે ૧૨.૦૦ વાગતાં જ શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવીને સુખ-સમૃદ્ધિની કામના કરી. સોમવારે કુંભમેળામાં ૮૦ લાખ શ્રદ્ધાળુઓ ગંગા અને સંગમમાં સ્નાન કરે તેવી શક્યતા છે.

મહાશિવરાત્રીના સ્નાન માટે ૪૧ ઘાટ પર વ્યવસ્થા કરવામાં આવી છે. પુલવામામાં હુમલા અને એર સ્ટ્રાઈક બાદ કુંભમેળાની સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવાઈ છે. ૧૫ જાન્યુઆરીથી શરૂ થયેલા કુંભમાં અત્યાર સુધી ૨૨ કરોડ લોકો સ્નાન કરી ચૂક્યા છે.

કુંભમેળા અધિકારી વિજય કિરણ આનંદે જણાવ્યું હતું કે મેળાના અંતિમ સ્નાન પર્વ મહાશિવરાત્રી પર મેળા પ્રશાસન સંગમ ક્ષેત્ર પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. મહાશિવરાત્રી સોમવારે હોવાના કારણે વધુમાં વધુ લોકો આજે સંગમ તરફ આવશે.

ડીઆઈજી કે.પી. સિંહે જણાવ્યું હતું કે શનિવારે રાત્રે ૧૨.૦૦ વાગ્યાથી જ વાહનોનો પ્રવેશ મેળા ક્ષેત્રમાં પ્રતિબંધિત કરી દેવાયો હતો. લોકોને માત્ર ૧૪-૧૫ અને ૧૬ નંબરના પાન્ટુન પુલથી આવવાની અનુમતી હતી. મેળા ક્ષેત્રમાં લોકોની અવરજવર રવિવારથી જ શરૂ થઈ ચૂકી હતી.