સંયુક્ત રાષ્ટ્રએ ૨૦૦૮ના મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ અને જમાત-ઉદ-દાવાના ચીફ હાફિઝ સઇદની પોતાને પ્રતિબંધિત આતંકીઓની યાદીમાંથી હટાવવાની અપીલ ફગાવી દીધી છે. આ સમાચાર એવા પ્રસંગે આવી રહ્યા છે જ્યારે સંયુક્ત રાષ્ટ્રએ ૧૨૬૭ પ્રતિબંધ સમિતિએ પુલવામા હુમલાના જવાબદાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ચીફ મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવાની એકવાર ફરીથી અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પુલવામામાં CRPFના કૉનવોય પર થયેલા હુમલામાં ૪૪ જવાન શહીદ થયા હતા અને હુમલાની જવાબદારી જૈશએ લીધી હતી.
લશ્કર-એ-તૌયબાના સહ-સંસ્થાપક હાફિઝ પર મુંબઇ હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ૧૦ ડિસેમ્બર, ૨૦૦૮ના રોજ પ્રતિબંધ લગાવ્યો હતો. હાફિઝે ૨૦૧૭માં પ્રતિબંધ વિરૂદ્ધ લાહોર સ્થિત લૉ ફર્મ મિર્જા એન્ડ મિર્જા દ્વારા અપીલ દાખલ કરી હતી, ત્યારે તે પાકિસ્તાનમાં નજરબંદ હતો. સૂત્રોએ જણાવ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર તરફથી નિયુક્ત સ્વતંત્ર લોકપાલ ડેનિયલ તે. ફેસિયાતીએ હાફિઝના વકીલને જાણકારી આપી દીધી છે કે, તેમના આવેદનની તપાસ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો કે, તે પ્રતિબંધિતોની યાદીમાં જ રહેશે. હાફિઝની અરજીનું ભારતની સાથે જ અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે પણ વિરોધ કર્યો હતો. મહત્વપૂર્ણ વાત એ છે કે, પાકિસ્તાને તેનો વિરોધ નથી કર્યો તે સમયે ઇમરાન ખાનના નેતૃત્વવાળી નવી સરકાર એવો દાવો કરી રહી છે કે, તે પ્રતિબંધિત આતંકીઓ અને સંગઠનો વિરૂદ્ધ કાર્યવાહી કરી રહી છે.

