16મી સપ્ટેમ્બરથી રાજ્યમાં નવા ટ્રાફિકના નિયમોનો લાગુ થતા નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને તોતિંગ દંડ ભરવો પડશે.બસ આ જ દહેશતને લઈને રાજ્યના પીયુસી સેન્ટરો તેમજ હાઈસિક્યુરીટી નંબર પ્લેટ લગાવવા માટે ભારે ભીડ જોવા મળી રહી છે.સૌથી ચોંકાવનારી વાત એ છે કે અમદાવાદના 60 લાખ વાહનો માટે માત્ર 173 જ પીયુસી સેન્ટરો છે.જેને લઈને હવે રાજ્ય સરકારે વાહનચાલકોને રાહત આપતા પીયુસી અને HSRP નંબર પ્લેટ લગાવવાની મુદ્દતમાં વધારી દીધી છે.
સમગ્ર ગુજરાતમાં લાખો વાહનો જેમાં માત્ર અમદાવાદમાં જ 10 લાખથી વધુ વાહનોમાં હજુ સુધી HSRP નંબર પ્લેટ નથી લાગી. આ આંકડાઓ જ દર્શાવે છેકે હજુ ઘણુ કામ બાકી છે.સુપ્રિમ કોર્ટના આદેશ બાદ ગુજરાત રાજ્યમાં હાઈસિક્યુરીટી નંબર પ્લેટ લગાવવાની શરુઆત ગુજરાતમાં વર્ષ 2013થી કરવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકારની ઢીલી નિતિના કારણે હજુ પણ રાજ્યના લાખો વાહનોમાં આવી હાઈસિક્યુરીટી નંબર પ્લેટ લાગી નથી.
આ જ કારણથી રાજ્ય સરકારને ચિંતા સતાવી રહી છે કે જો 16મી સપ્ટેમ્બરથી દંડ વસૂલવાની શરુઆત થશે તો રાજ્યભરના લાખો વાહનચાલકો દંડાઈ શકે છે. આ જ કારણથી હાઈસિક્યુરીટી નંબર પ્લેટ લગાવવાની મુદ્દત પૂર્ણ થયા પછી પણ રાજ્ય સરકારે તેની મુદ્દત વધારીને હવે 16 ઓક્ટોબર કરી છે.
આવી જ કંઇક સ્થિતી પીયૂસી સેન્ટરની છે..અમદાવાદ શહેરમાં ફરી રહેલા મોટાભાગના વાહનો પીયુસી વિનાના છે.કારણ કે વાહનમાં પીયુસી રાખવાનો નિયમ તો હતો પણ દંડની રકમ સામાન્ય હોવાના કારણે વાહનચાલકો પીયુસી વિના જ ચલાવી લેતા હતા. પરંતુ હવે જ્યારે નવા નિયમો લાગુ થશે ત્યારે પીયુસી વિનાના વાહનોને પહેલીવાર 500 રૂપિયા અને બીજી વાર 1000 રૂપિયા દંડ ફટકારાશે. જેને લઈને અમદાવાદના શહેરીજનો હવે પીયુસી કઢાવવા માટે પીયુસી સેન્ટર પર જોવા મળી રહ્યા છે..પણ શહેરીજનો માટે સમસ્યા એ છે કે શહેરના વાહનોની સંખ્યાના પ્રમાણમાં પીયુસી સેન્ટરની સંખ્યા માત્ર 173 જ છે. જેને કારણે તમામ પીયુસી સેન્ટરો પર લાંબી લાઈનો જોવા મળી રહી છે..આ જ કારણથી પીયુસી કઢાવવા માટેની મુદ્દત પણ 30 સપ્ટેમ્બર સુધી વધારી દેવામાં આવી છે.
રાજ્ય સરકારે પીયુસી અને હાઈસિક્યુરીટી નંબર પ્લેટ માટેની મુદ્દત તો વધારી દીધી છે..પણ શહેરીજનોની માંગ છે કે દંડની રકમમાં રાજ્ય સરકાર ઘટાડો કરે.કારણકે લોકોને લાગે છેકે હજુ પણ દંડની રકમ ખૂબજ વધારે છે.ત્યારે હવે જોવાનું રહેશે કે દંડની રકમને લઇને સરકાર શું નિર્ણય લે છે.

