વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા ભાઇકાકા પાર્ટી પ્લોટમાં યોજાયેલ લગ્ન પ્રસંગમાં ત્રાટકેલી ટાબરીયા ટોળકી નવવધૂના ગિફ્ટમાં આવેલા દાગીના અને ચાંલ્લાના કવર મૂકેલા પર્સની ચોરી કરી ગયાની ઘટના સામે આવી છે. રૂપિયા 1.75 લાખ ઉપરાંતનો મુદ્દામાલ મુકેલ પર્સની ચોરી કરીને રફૂચક્કર થઇ ગયેલી ટોળકીને ઝડપી પાડવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી છે.
પર્સ ચોરાતા પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા
વડોદરા શહેરના પ્રતાપનગર રોડ ઉપર આવેલ ટી-એફ, 2 શાંતિ ચેમ્બર્સમાં રહેતા અને માછલી વેચવાનો વ્યવસાય કરતા ભાઇદાસભાઇ જીવાભાઇ બારીયાની મોટી દીકરી શ્વેતાબહેનના આજવા રોડ ભાઇકાકા પાર્ટી પ્લોટમાં ગુરૂવારે લગ્ન સમારંભ હતો. લગ્ન બાદ સ્ટેજ ઉપર સત્કાર સમારંભ ચાલતો હતો. તે સમયે નવવધૂને ગીફ્ટમાં મળતા દાગીના અને ચાંલ્લાના કવર નવવધૂની માતા તારાબહેન પોતાના પર્સમાં મૂકતા હતા. સ્ટેજ ઉપર નવદંપતિને શુભેચ્છા આપવા માટે મહેમાનોની અવર-જવર ચાલુ હતી. દરમિયાન તારાબહેન દાગીના અને ચાંલ્લાના કવર મુકેલ પર્સ ખુરશી પાસે મુકીને પાણી પીવા માટે ગયા હતા. પાણી પીને પરત ફર્યા બાદ પર્સ જોવા ન મળતા ચોંકી ઉઠ્યા હતા. અને સ્ટેજ ઉપર રડવાનું શરૂ કરી દીધું હતું. પતિ ભાઇદાસભાઇ તથા અન્ય સંબંધીઓએ રડવાનું કારણ પૂછતા પર્સ ચોરાની જાણ કરતા પરિવારજનો પણ સ્તબ્ધ થઇ ગયા હતા. આ બનાવની જાણ વાયુવેગે મહેમાણોમાં પ્રસરી જતાં મહેમાનો પણ ચોંકી ઉઠ્યા હતા.
મોબાઇલ ફેંકીને ટોળકી ભાગી ગઇ
પર્સની ચોરી થતાં નવવધૂનો ભાઇ ગૌરવ તથા તેના પરિવારના સભ્યો હાઇવે ઉપર ચોરી કરી જનાર ટોળકીની તપાસ માટે નીકળ્યા હતા. પર્સમાં મોબાઇલ ફોન હોવાથી ગૌરવે રિંગ મારતા રોડની એક બાજુથી રીંગ વાગવાનો અવાજ સંભાળાતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાંથી તેઓને પર્સમાં મૂકેલા 4 મોબાઇલ ફોન મળી આવ્યા હતા. પરંતુ પર્સની ચોરી કરી જનાર ટોળકીની કોઇ ભાળ મળી ન હતી.
પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ હાથ ધરી
દરમિયાન આજે ભાઇદાસભાઇ બારીયાએ બાપોદ પોલીસ મથકમાં પર્સમાં મુકેલ સોનાનો સાડા પાંચ તોલાનો સોનાનો હાર, એક-એક તોલાની બે સોનાની ચેઇન, સોનાની બુટ્ટી, ચુની સહિતના દાગીના તેમજ ચાંલ્લામાં આવેલા રોકડ રકમના કવરો સાથેની ફરિયાદ નોંધાવી હતી. બાપોદ પોલીસે ફરિયાદના આધારે પાર્ટી પ્લોટમાંથી સીસીટીવી ફૂટેજ મેળવી પર્સ ચોરી જનાર ટોળકીની તપાસ હાથ ધરી છે.
સ્ટેજની આસપાસ રમતા અજાણ્યા બાળકો પર્સની ચોરી ગયાની આશંકા
ભાઇદાસભાઇ બારીયાએ જણાવ્યું હતું કે, લગ્ન બાદ સત્કાર સમારંભ ચાલી રહ્યો હતો. તે સમયે નાના બાળકો સ્ટેજની આસપાસ રમી રહ્યા હતા. અમોને શંકા છે કે, સ્ટેજની આસપાસ રમી રહેલા અજાણ્યા બાળકો પર્સની ચોરી કરી ગયા હશે. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.

