મહીસાગર : કડાણા ડેમ થયો ઓવરફ્લો, નદી કાંઠાના ૪૩ ગામોને કરાયા એલર્ટ

ગુજરાત

સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ વરસી રહયો છે, ત્યારે ગુજરાતના મોટા ભાગના જળાશયો ઓવરફ્લો થયા છે, જેથી જળાશયોમાંથી વારંવાર પાણી છોડવાની ફરજ પડી રહી છે.

કડાણા ડેમના ઉપરવાસમાં આવેલ મહી બજાજ, સોમકમલા અને ઝાંખમ ડેમમાંથી પાણી છોડવામાં આવતા કડાણા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે, જેના કારણે ડેમનું જળસ્તર વધતા રુલ લેવલ જાળવવા માટે કડાણા ડેમના 16 ગેટ 15 ફૂટ ખોલી મહી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. મહી નદી બન્ને કાંઠે વહેવા લાગી જેના લીધે મહી નદી ઉપર આવેલ હાડોળ પુલ અને ઘોડિયાર પુલ વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે. મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં પાણીની આવક ૨,૭૪,૯૯૩ ક્યુસેક થઈ રહી છે. આવક વધતા કડાણા ડેમના ૧૬ ગેટ ૧૫ ફુટ ખોલી ૪,૧૦,૭૧૬ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમનું જળસ્તર ૪૧૬.૦૨ ફૂટ પર પહોંચ્યું છે. પાણીને કારણે મહીસાગરના વડા મથક લુણાવાડાથી અમદાવાદ જવા માટે મહી નદી પર આવેલ હાડોડ બ્રિજ અને કડાણા તાલુકાનો ઘોડિયાર પુલ ઉપરથી વાહન વ્યવહારની અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે. તેમજ વહીવટી તંત્ર દ્વારા નદી કિનારેના વસવાટ કરતા ૪૩ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.