કમલેશ તિવારી હત્યાકાંડ: સુરત પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી

ગુજરાત મુખ્ય સમાચાર

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં હિંદુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની શુક્રવારે તેમના ઘરે બનાવવામાં આવેલા કાર્યાલયમાં કરપીણ હત્યા થઈ હતી અને બાદમાં હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.

કમલેશ તિવારી હત્યાકેસની ગુત્થીને પોલીસે 24 કલાકની અંદર ઉકેલી લેતા 3 આરોપીઓની સુરતમાંથી ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે કમલેશ તિવારીની ગોળી અને બાદમાં ચાકુના 13 જેટલા ઘા મારી કરણપીણ કરનારા હત્યારાઓ ફરાર થઇ ગયા હતા. જોકે, હત્યાકાંડનું પગેરૂ સુરતમાંથી નીકળતા પોલીસે CCTVના આધારે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા હતા.

સુરત ક્રાઈમ બ્રાંચ અને ATSએ કુલ 3 લોકોની ધરપકડ કરી

સુરત ક્રાઈમ બ્રાંચ અને ATSએ કુલ 3 લોકોની ધરપકડ કરી છે અને તમામ આરોપીઓને અમદાવાદ લવાયા છે. સુરતના લિંબાયત વિસ્તારમાંથી રશીદ, મોહસિન અને ફૈઝલની ધરપકડ કરવામાં આવી છે. તિવારીના હત્યારાઓએ સુરતમાંથી મીઠાઈ ખરીદી હતી. આ હત્યારાઓએ મીઠાઈના બોક્સમાં ચાકૂ અને તમંચો છૂપાવ્યા હતાં.

પોલીસે આ મામલે શુક્રવારે મોડી રાતે સુરતમાંથી 7 શંકાસ્પદોની અટકાયત કરી હતી. ત્યારબાદ તેમની પૂછપરછ કરાઈ. જેમાંથી 3 લોકોની ધરપકડ થઈ છે. સુરતની ધરતી નમકીન એન્ડ સ્વીટ્સ દુકાનના મીઠાઈના બોક્સ પરથી આરોપીઓ સુધી પોલીસ પહોંચી.

DGPએ પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું ?

ઉત્તર પ્રદેશના ડીજીપીએ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી કે, ઘટના સ્થળેથી મીઠાઈનું બોક્સ મળી આવ્યું હતું. મીઠાઈ બોક્સના આધારે જ ગુજરાત કનેક્શન હોવાનું સામે આવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે, ત્રણેય આરોપીઓ ભગવા રંગના કપડાં પહેરીને આવ્યા હતા. આરોપીઓમાં રશીદ અહમદ પઠાણ, મૌલાના મોહસિન શેખ અને ફૈઝાન. જેમાં રશિદ પઠાણ હત્યાનો મુખ્ય સુત્રધાર હતો.

યુપી પોલીસના જણાવ્યા પ્રમાણે રશીદ અહમદ પઠાણને કોમ્યુટરને સારું જ્ઞાન ધરાવે છે. તે વ્યવસાયે દરજી કામ કરે છે. મૌલાના મોહસિન શેખની ઉંમર 24 વર્ષ છે. આ યુવક સાડીની દુકાનમાં કામ કરે છે. ત્રીજા યુવકનું નામ ફૈઝાન છે અને તેની ઉંમર 21 વર્ષ છે. આ યુવક પણ સુરતનો છે અને તે ચંપલની દુકાનમાં કામ કરે છે.

યુપી પોલીસે સુરત ઉપરાંત અનવરૂલ હક અને મુફ્તી નઇમ કાસમી નામના આ બે મૌલાના ઉત્તર પ્રદેશના જુદા જુદા સ્થળેથી ઝડપી લેવાયા હતા. જણાવી દઈએ કે, હક્કે વર્ષ 2016માં કમલેશ તિવારીનું માથુ કાપીને લાવનાર પર 51 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. કમલેશની પત્ની કિરણની ફરિયાદના આધારે મૌલાના વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે છે.

DGP ઓમ પ્રકાશ સિંહે જણાવ્યું કે, પોલીસે CCTV ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે કેટલીક મહત્વની કડીઓ મળી છે. પોલીસના કેટલાક કૉલ ડિટેલ્સ પણ મળ્યા છે. આ કેસમાં તપાસ માટે પોલીસની અનેક ટીમો બનાવવામાં આવી છે. આ સાથે જ સ્પેશિયલ ટાસ્ક ફોર્સની મદદ પણ લેવામાં આવી રહી છે.

પત્ની દ્વારા FIR દાખલ

કમલેશની પત્ની કિરણની ફરિયાદના આધારે પોલીસે આ મામલે મુફ્તી નઈમ કાજમી, અનવારૂલ હક્ક સહિત એક અજાણ્યા શખ્સ વિરૂદ્ધ FIR દાખલ કરી છે. કિરણનો આરોપ છે કે, કાજમી અને હક્ક દ્વારા વર્ષ 2016માં કમલેશનું માથુ વાઢી નાંખનારને 51 લાખ અને દોઢ કરોડ રૂપિયા આપવાના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. આજ લોકોએ તેમના પતિની હત્યા કરાવી છે.

વિવાદિત નિવેદનને લઇને ચર્ચામાં આવ્યા હતા કમલેશ તિવારી

કમલેશ તિવારી કેટલાક વર્ષ પહેલા ઇસ્લામના પૈગમ્બર પર વિવાદિત નિવેદનને લઇને ચર્ચામાં આવ્યા હતા. તે સમયે તેમની સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. યુપીના સીતાપુર જિલ્લાના રહેવાસી તિવારીની બે વખત ધરપકડ પણ થઇ ચૂકી છે. તિવારી પર પત્રકારોને ધમકાવવાનો પણ આરોપ છે.

તિવારીએ એકવાર મહાત્મા ગાંધીના હત્યારા ગોડ્સેનું મદિર બનાવવાની જાહેરાત કરી હતી. તો કાશી વિશ્વનાથ મંદિર વિસ્તારમાં આવેલી એક મસ્જિદને લઇને આપત્તિજનક ટિપ્પણીને લઇને પણ તેઓ ચર્ચામાં રહ્યા હતા. તો અભિનેતા આમિર ખાનનું સર કલમ કરવાની પણ માગ કરી હતી.

સીસીટીવી ફૂટેજથી મળી મહત્વની કડીઓ

કમલેશ તિવારની હત્યામાં પોલીસે સીસીટીવી ફૂટેજ બહાર પાડ્યા છે અને તપાસમાં ગુજરાત કનેક્શન પણ બહાર આવ્યું છે. સીસીટીવીમાં જે બે સંદિગ્ધ યુવકો જોવા મળે છે તેમના હાથમાં મિઠાઈ અને થેલો જોવા મળી રહ્યો છે. આરોપીના હાથમાં જે મીઠાઈનો ડબ્બો હતો તે સૂરતની જાણીતી બ્રાન્ડ ધરતી નમકીન એન્ડ સ્વીટ્સનો હતો.

પોલીસ અધિકારીઓનું માનવું છે કે આ મીઠાઈના ડબ્બામાં હથિયારો છૂપાવીને લાવવામાં આવ્યાં હતાં. હત્યારાઓએ સુરતથી મીઠાઈ ખરીદી હોવાના કારણે હવે તપાસમાં ગુજરાત ATS અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ પણ સક્રિય થઈ ગઈ છે.