અમદાવાદ અને ગુજરાત સહિત દેશભરની પાસપોર્ટ ઓફિસમાં ફરજ બજાવતાં અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની વર્ષોજૂની માગણીના સંદર્ભમાં હવે લડી લેવાના મૂડમાં આવ્યા છે. પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે થોડા સમય પહેલા મીટીંગ થઇ હતી. જેમાં તેઓએ કર્મચારી અને અધિકારીઓના વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવાની તેમજ સમાધાન માટેની ખાતરી આપી હતી. પરંતુ કેન્દ્રમાં નવી સરકાર આવ્યા બાદ પાસપોર્ટ કચેરીના કર્મચારીઓની માગણીઓ ધ્યાનમાં લેવાઈ નથી. જેને પગલે પાસપોર્ટ કચેરીના એસોસિએશન દ્વારા લડતના મંડાણ શરૂ કરાયા છે. જોકે તેમની આ લડત લોકશાહી ઢબે જ થઈ રહી છે.
જેના ભાગરૂપે કર્મચારીઓએ બે દિવસ સુધી પોતાના શરીર પર કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી હતી હવે આગામી ૫ અને છઠ્ઠી ઓગસ્ટના રોજ બે દિવસ સુધી કર્મચારીઓ અને અધિકારીઓ લંચ સમય દરમ્યાન ધરણા અને પ્રદર્શન કરશે ત્યાર બાદ ૧૯મી ઓગસ્ટથી તમામ કર્મચારીઓ વર્ક ટુ રૂલના હિસાબથી પાસપોર્ટ ઓફિસમાં કામગીરી કરશે એટલે કે પોતાને જે ફરજ સોંપવામાં આવી છે એટલું જ કામ કરશે. તેનાથી વધારે કોઈ કામ નહીં કરે અત્રે નોંધનીય છે કે હાલમાં પાસપોર્ટ ઓફિસમાં સ્ટાફ ઘણો ઓછો હોવાથી મોટા ભાગના કર્મચારીઓ દોઢથી બે ગણું કે તેનાથી પણ વધુ કામ કરી રહ્યા છે અને જવાબદારી પણ તેઓની બમણી થઈ ગઈ છે.
આથી અધિકારીઓ અને કર્મચારીઓમાં સરકાર સામે અને ખાસ કરીને વિદેશ મંત્રાલય સામે ભારે આક્રોશ જોવા મળે છે. કર્મચારીઓ અને અધિકારીઓની માંગણી પુરી નહી થાય તો 29મી ઓગસ્ટે એક દિવસની પ્રતીક હડતાળ પાડવામાં આવશે. ત્યાર બાદ પણ જો કેન્દ્ર સરકાર નહીં જાગે તો ત્યાર પછીના સમયમાં અચોક્કસ મુદતની હડતાલ પાડવાની વિચારણા છે.
પાસપોર્ટ કચેરીના ઓફિસરો અને કર્મચારીઓની જે પડતર માગણીઓ છે તેમાં મુખ્યત્વે માગણી કેડર રિવ્યુ તથા ટ્રાન્સફર અને અન્ય માગણીઓ છે એસોસિએશનના હોદ્દેદારો જણાવે છે કે કેન્દ્ર સરકાર અમારું સાંભળતી નથી અમે વર્ષોથી અમારા પ્રશ્નોની રજૂઆત કરી રહ્યા છીએ માટે સરકારે આ માગણી તાત્કાલિક રીતે સ્વીકારીને તેનો અમલ કરવો જોઈએ.