દિવાળીમાં મહેમાનોને ચા-કૉફી સાથે સર્વ કરો ઘરે બનાવેલી નાનખટાઈ, પડી જશે વટ

આરોગ્ય

દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યાં, ઘરેઘરે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આમ તો મિઠાઈ-ફરસાણ બહુ બજારમાં તૈયાર મળી જ રહે છે, પરંતુ ઘરે બનાવવાની મજા જ અલગ છે. મહિલાઓ થોડા દિવસો પહેલાં જ અલગ-અલગ મિઠાઈઓ અને ફરસાણ હોંશે-હોંશે ઘરે બનાવવા લાગે છે. જોકે નાનખટાઇ મોટાભાગના લોકો બજારમાંથી તૈયાર લાવતા હોય છે. આજે અમે લાવ્યા છીએ, અદ્દલ બેકરી જેવી જ નાનખટાઈ ઘરે બનાવવાની રેસિપિ. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.

નાનખટાઇ
સામગ્રી

11/2 કપ મેંદો
1/4 કપ ચણાનો લોટ
2 મોટી ચમચી દહીં
1/4 ચમચી બેકિંગ સોડા
1/2 કપ માખણ
2/3 કપ દળેલી ખાંડ
1/4 ચમચી જાયફળ પાઉડર
1/4 ચમચી એલચી પાઉડર
બદામ ઝીણી સમારેલી
પાણી અથવા દૂધ

રીત

સૌપ્રથમ ઘી કે માખણમાં ખાંડ મિક્સ કરો અને હેન્ડ બ્લેન્ડરથી ક્રીમ જેવું બનાવી લો. આ મિશ્રણ પેસ્ટ જેવું સ્મૂધ બની જવું જોઈએ. હવે તેમાં બધી સૂકી સામગ્રી એટલે કે, મેંદો, ચણાનો લોટ, એલચી પાવડર, જાયફળ પાઉડર અને બેકિંગ સોડા નાખો. અને સારી રીતે મિક્સ કરી લો. પછી દહીં નાખો. હવે ધીરે-ધીરે મિશ્રણને લોટની જેમ ગૂંથી લો. જો જરૂર પડે તો પાણી કે દૂધ નાખી શકો છો. હવે આ બાંધેલા લોટના નાના-નાના લુવા કરો. તેને તમારી હથેળી પર ફેરવી ગોળા બનાવો અને હળવેથી દબાવો. તમે ઈચ્છો તો કાંટાની મદદથી તેમાં કોઈ ડિઝાઈન પણ બનાવી શકો છો. હવે આ નાનખટાઇને બેકિંગ ટ્રેમાં મૂકો. હવે તેને પ્રિ-હીટેડ ઓવનમાં 200 ડિગ્રી પર 30 મિનિટ સુધી બેક કરો. પછી તેને બેકિંગ ટ્રેમાંથી હટાવીને વાયર રેન્ક પર મૂકો.

નાનખટાઈ ઠંડી થઈ જાય ત્યારબાદ તેને એરટાઇટ ડબ્બામાં ભરી લો. દિવાળીમાં મહેમાન આવે એટલે ચા-કૉફી સાથે કરો સર્વ.