ગાંધીનગરમાં સિરિયલ કિલરની ધરપકડ બાદ અમરેલી SOGએ વધુ એક સિરિયલ કિલરની ધરપકડ કરી છે. સિરિયલ કિલરની ધરપકડ બાદ ભાવનગર અને અમરેલી જિલ્લામાં હત્યાના પાંચ ભેદ ઉકેલાયા છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આ સિરિયલ કિલર લૂંટ ચલાવી હત્યા બાદ ટ્રોફી તરીકે લાશની કોઈપણ એક વસ્તુ પાસે લઈ જતો હતો અને માનસિક આનંદ મેળવતો હતો. આ ઉપરાંત સિરિયલ કિલર પાસેથી સોનાંની ખરીદી કરનાર બે સોનીઓની પણ પોલીસે ધરપકડ કરી છે.
મહુવાનો રહેવાસી મિલન રાઠોડ (ઉંમર-32) કપાસની દલાલી કરતો હતો. અને એકલાં રહેતાં વૃદ્ધોની રેકી કરતો. અને કોઈપણ બહાને ઘરમાં ઘૂસી વૃદ્ધોને ગળેટૂંપો આપી હત્યા કરી દેતો હતો. ત્યારબાદ તે રોકડ રકમ સહિત દાગીનાંની લૂંટ ચલાવતો હતો. અને લાશને પણ તે એ રીતે ગોઠવતો કે પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં હત્યા ન લાગે. જે બાદ તે લૂંટમાં લીધેલી એક વસ્તુ ટ્રોફી તરીકે પોતાની પાસે રાખતો હતો. અને આ વસ્તુને જોઈને માનસિક આનંદ મેળવતો હતો.
મિલનની ધરપકડ બાદ હત્યાના પાંચ બનાવોનો ભેદ ઉકેલાયો હતો. 24 સપ્ટેમ્બરે હાડીડા ગામે 70 વર્ષીય વૃદ્ધાની હત્યા કરી સોનાની કડીઓ, સહિતનાં દાગીનાના ચોરી હતી. આ ઉપરાંત 26 ઓગસ્ટે ભાવનગરના મહુવા તાલુકાના લોયંગા ગામે એક વૃદ્ધાનું દોરી વડે ગળા ટુંપો આપી મોત નિપજાવી, તેના શરીર પરથી સોના ચાંદીના દાગીના લૂંટી લીધા હતા. જ્યારે છ મહિના પહેલાં ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના દેગવડા ગામની આધેડ મહિલાનું ગળું દબાવી, મોત નિપજાવી,લૂંટ ચલાવી હતી. જ્યારે ચારેક વર્ષ પહેલાં ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના સેંદરડા ગામના ગોવિંદભાઇ ટપુભાઇ હડીયા પાસેથી પ્રથમ રૂ.60000 અને ત્યાર બાદ રૂ. 40000 વ્યાજે લીધેલા હતા. રૂપિયા પાછા આપવા ન પડે તે માટે ગોવિંદભાઇ ટપુભાઇ હડીયા પોતાના ઘરે ખાટલામાં સુતા હતા ત્યારે તેમનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. જ્યારે પાંચમી હત્યા આશરે સતર-અઢાર વર્ષ પહેલાં ભાવનગર જિલ્લાના સેંદરડા ગામના રહેવાસી અને પોતાના બાપુજીના કુટુંબી કાકી શાંતુબેન નાનજીભાઇ રાઠોડ ઘરે એકલા હોય, તે સમયે તેના ઘરે જઇ તેમનું ગળું હાથેથી દબાવી હત્યા કરી પાંચ-છ હજાર રૂપિયાની લૂંટ કરી હતી.

