પટનાના 80% ઘરોમાં પાણી ભરાયા, પૂરમાંથી ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીનો પરિવાર 3 દિવસ પછી રેસ્ક્યુ કરાયો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

બિહારના ઘણાં વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસમાં ભારે વરસાદ થયો છે. રાજ્યમાં પૂર અને વરસાદની દુર્ઘટનાના કારણે અત્યાર સુધી 29 લોકોના મોત થયા છે. બિહારના પાટનગર પટનામાં 80 ટકા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. પ્રશાસને મંગળવાર સુધી સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે. નીતિશ સરકારે રેસ્ક્યુ ઓપરેશન માટે વાયુસેનાના બે હેલિકોપ્ટરની મદદ માંગી છે. બીજી બાજુ હવામાન વિભાગે જણાવ્યું છે કે, પટના સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ હજુ ભારે વરસાદ થઈ શકે છે. જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યાં પૂર પીડિતોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. પૂર પ્રભાવિત ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીનો પરિવાર પણ 3 દિવસ પછી રેસ્ક્યુ કરવામાં આવ્યો છે.

હવામાન વિજ્ઞાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સક્રિય થવાના કારણે અને બંગાળની ખાડીમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન થયું હોવાથી ભારે વરસાદની આશંકા છે. તેની અસર સંપૂર્ણ બિહાર ઉપર જોવા મળશે. 14 જિલ્લાઓને રેડ એલર્ટની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. તેમાં સુપૌલ, અરરિયા, કિશનગંજ, બાંકા, સ્મસ્તીપુર, મધેપુરા, સહરસા, પૂર્ણિયા, દરભંગા, ભાગલપુર, ખગડિયા, કટિહાર, વૈશાલી અને મુંગેર સામેલ છે.

બિહારે કેન્દ્ર પાસે હેલિકોપ્ટરની મદદ માંગી
બિહારમાં પૂરની સ્થિતિ છે. આ દરમિયાન રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી 2 હેલિકોપ્ટરની માંગણી કરી છે. પટનામાં પૂર પ્રભાવિત લોકોની મદદ માટે બિહાર સરકારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસે બે હેલિકોપ્ટરની મદદ માંગી છે. તે સિવાય કોલ ઈન્ડિયા પાસે પાણી કાઢવા માટે પંપની માંગણી કરી છે. બિહાર સ્ટેટ ડિઝાસ્ટટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે પૂરના કારણે અત્યાર સુધી કુલ 29 લોકોના મોત થયા છે.

પટનામાં વીજળી-પાણી માટે તરસી રહ્યા છે લોકો
પટનામાં જળ કર્ફ્યુ જેવી સ્થિતિ છે. પાટનગરના 80 ટકા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. એટલું જ નહીં, રાજેન્દ્ર નગર સહિત ઘણાં વિસ્તારોમાં 36 કલાકથી વીજળી-પાણી નથી. પાટનગરમાં ચોમાસાનો 40 ટકા વરસાદ 48 કલાકમાં જ થઈ ગયો છે. પટના નજીકની ચારેય નદીઓ સોન, ગંગા, ગંડક અને પુનપુન જોખમી નિશાન ઉપર પહોંચી ગઈ છે. તેનાથી પણ સતત જોખમ વધી રહ્યું છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું છે કે, પુનપુન નદીથી સતર્ક રહો, તેનાથી સ્થિતિ ખરાબ થઈ શકે છે.

રાજ્ય સરકારે પટનામાંથી પાણી કાઢવા માટે કોલ ઈન્ડિયા પાસેથી બે ડિવોટરિંગ પંપની માંગણી કરી છે. તે સાથે પૂર પીડિતોને બહાર કાઢવા અને ફૂડ પેકેટનું વિતરણ કરવા માટે એરફોર્સના બે હેલિકોપ્ટરની માંગણી કરી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના સચિવ અમૃતે જણાવ્યું કે, સોમવારે પંપ અને ચોપર આવી જશે. વોટરિંગ પંપનો ઉપયોગ કોલસા ખાણમાંથી પાણી કાઢવા માટે થશે.

યુપીની પણ ખરાબ હાલત
બિહારની સાથે સાથે યુપીની હાલત પણ ખરાબ છે. અહીં વરસાદના કારણે 100થી વધારે લોકોના જીવ ગયા છે. હોસ્પિટલો-રહેણાંક વિસ્તાર જેવી દરેક જગ્યાએ ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે. યુપીમાં છેલ્લા 4 દિવસમાં વરસાદના કારણે 63 લોકોના જીવ ગયા છે. યુપીમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં ગાઝીપુર, ચંદૌલી, આંબેડકરનગર, આઝમગઢ, મિર્ઝાપુર, જૌનપુર, બલિયા, ફતેહપુર, અયોધ્યા અને રાયબરેલી જેવા શહેરોનો સમાવેશ થયો છે.

14 જિલ્લામાં યેલો એલર્ટ
બિહારમાં આજે પણ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે બિહારના 14 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જે જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં સુપૌલ, અરરિયા, કિશનગંજ, સમસ્તીપુર, મધેરપર, સહરસા, પૂર્ણિયા, દરભંગા, ભાગલપુર, ખગડિયા, કટિહાર, વૈશાલી અને મુંગેર સામેલ છે. જ્યારે પટના, ગોપાલગંડ, શેખપુરા, ચંપારણ, સીવાન સહિત બિહારના ઘણાં જિલ્લા માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પટનામાં મંગળવાર સુધી દરેક સ્કૂલમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. તે સાથે જ 12 ટ્રેન રદ કરવામાં આવી છે. માત્ર સામાન્ય માણસો જ નહીં પરંતુ ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી, રાજીવ પ્રતાપ રુડી અને નંદ કિશોર જેવા નેતાઓના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે.