ઘરેલુ હિંસાના કેસના કારણે મોહમ્મદ શામીના US વિઝા રદ્દ થયા, BCCI મદદે આવ્યું

ખેલ-જગત મુખ્ય સમાચાર

ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શામીના ઘરેલુ હિંસાના કેસના કારણે યુએસ જવાના વિઝાને કેન્સલ કરાયા છે. આ અંગે બીસીસીઆઈ શામીનો બચાવ કરવા માટે સામે આવ્યું છે. ગત વર્ષે ઘરેલુ હિંસા અને લગ્નોત્તર સંબંધ મામલે શામીના વિરોધમાં તેમની પત્નીએ ફરિયાદ કરી હતી.

શામીને અમેરિકા અંડર P1 વિઝા અપાયાઃ અમેરિકા જતા પહેલા જ મોહમ્મદ શામીના વિઝાને અટકાવાયા હતા. ત્યારબાદ બીસીસીઆઈના ચીફ એક્ઝિક્યૂટીવ અધિકારી રાહુલ જૌહરીએ અમેરિકી દૂતાવાસને એક પત્ર લખ્યો હતો, જેમાં શામીની સિદ્ધીઓ અને તેમની પત્ની હસીન જહાં દ્વારા લગાવાયેલા ખોટા આરોપોનો પણ ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ શામીને અમેરિકાના અંડર P1 વિઝા(કોઈ પણ દેશના આંતરરાષ્ટ્રીય એથલિટ ખેલાડીને આપવામાં આવે છે) આપવામાં આવ્યા છે.

બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે, હા, શામીની વિઝા એપ્લીકેશનને અમેરિકી દૂતાવાસે શરૂઆતમાં ફગાવી દીધી હતી. જે શામીની પોલીસ રેકોર્ડની અધૂરી ચકાસણીના કારણે અટકાવાયા હતા. જો કે હવે તેનો નિવેડો આવી ગયો છે.

જોહરીએ શામીના ભારતીય ટીમ માટેના મહત્વનો પણ ઉલ્લેખ કર્યોઃ બીસીસીઆઈના અધિકારીએ વધુમાં કહ્યું કે, જેવા જ શામીના વિઝા રિજેક્ટ થયા, તેવો જ બીસીસીઆઈના સીઈઓ રાહુલ જૌહરીએ અમેરિકાના દૂતાવાસને પત્ર લખ્યો હતો. આ પત્રમાં શામીની સિદ્ધીઓ અને તેમના ભારતીય ક્રિકેટ ટીમના મહત્વ વિશે પણ જણાવ્યું હતું.

શામીની પત્નીએ કોલકાતા પોલીસમાં FIR કરી હતીઃ મહત્વનું છે કે ગત વર્ષે 2018ની શરૂઆતમાં મોહમ્મદ શામીના પત્ની હસીન જહાંએ ઘરેલુ હિંસા અને લગ્નોતર સંબંધોના આરોપમાં કોલકાતા પોલીસમાં એફઆરઆઈ નોંધાવી હતી. ત્યારબાદથી જ ડિવોર્સ અંગે આ મામલો કોર્ટમાં છે.