ગુજરાતમાં કોરોના વાઈરસનો એકપણ કેસ નથી, છતાં સરકાર આ મામલે એલર્ટ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અલગથી આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને અગમચેતીના પગલા રૂપે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાઈરસ ગુજરાતમાં ન આવે એ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ અંગે આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાને રોકવા માટેની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. સૌથી મહત્વની બાબત એ છેકે આ જ દીન સુધી ગુજરાતમાં કોરોના વાઈરસનો એકપણ કેસ જણાયો નથી. તેમ છતાં તકેદારીના ભાગરૂપે અમદાવાદ સહિત રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલમાં 30 દર્દીઓ સારવાર લઇ શકે એ માટેનો ખાસ આઇસોલેશન વોર્ડ અને અલગ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. સગર્ભા મહિલાઓ અને બાળકો માટે પણ સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
રાજ્યમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી
વિશ્વ આરોગ્ય સંસ્થાના 3 માર્ચના રિપોર્ટ પ્રમાણે નોવેલ કોરોના વાઈરસના વિશ્વમાં કુલ 72 દેશોમાં 90,870 કેસ અને 3,112 લોકોના મોત નીપજ્યા છે. ભારતમાં કોરોનાના કુલ 5 પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે 7 કેસના રિપોર્ટ કન્ફર્મ થવાના બાકી છે. ગુજરાતમાં આ વાઈરસનો એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં કુલ 25 સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.
કોરોનાને લઇને સરકારની તૈયારી
> સિવિલ હોસ્પિટલ, અમદાવાદને બેઝ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જેમાં 29 આઇસોલેશન બેડ, 29 વેન્ટીલેટર સહિત અદ્યતન સાધનો અને દવા સાથેનો આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.
> રાજ્યની અન્ય મેડીકલ કોલેજ અને ડીસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં વેન્ટીલેટર સહિતના અદ્યતન સાધનોની સુવિધા ધરાવતા આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. હાલમાં રાજ્યમાં કુલ 576 આઇસોલેશન બેડ અને 204 વેન્ટીલેટર ઉપલબ્ધ છે.
> રાજ્યમાં વિવિધ હોસ્પિટલોમાં પીપીઇ કીટ 24555, એન-95 માસ્કનો 39041, ટ્રીપલ માસ્કનો 892300 તથા ગ્લવ્ઝનો 2125600 જેટલો જથ્થો ઉપલબ્ધ છે.
> અમદાવાદની બી.જે મેડીકલ કોલેજ ખાતે કોરોના વાઈરસની લેબોરેટરી પરીક્ષણની સુવિધા ઉભી કરવામાં આવી છે. રાજ્યમાં જરૂર પડે સુરત, રાજકોટ અને વડોદરા ખાતે ટેસ્ટીંગની સુવિધા ઉભી કરવામાં આવશે.