ભારત-ઇંગ્લેન્ડની સેમિફાઇનલ આવતીકાલે, ટૂર્નામેન્ટમાં પહેલીવાર ઇંગ્લેન્ડને હરાવી ફાઇનલમાં પહોંચવાની તક

ખેલ-જગત દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગુરુવારે વુમન્સ T-20 વર્લ્ડ કપની પહેલી સેમિફાઇનલ ઓસ્ટ્રેલિયાના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. ભારત પાસે ટૂર્નામેન્ટમાં પહેલીવાર ઇંગ્લેન્ડને હરાવી વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવાની તક છે. ટૂર્નામેન્ટમાં ભારત અત્યારસુધી ઇંગ્લેન્ડને હરાવી શક્યું નથી. બંને ટીમ વચ્ચે 5 મેચ રમાઈ છે, તમામમાં ઇંગ્લિશ ટીમે બાજી મારી છે. ભારતને 2018ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડે 8 વિકેટે હરાવ્યું હતું. જોકે પછી ઇંગ્લેન્ડ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. બંને વચ્ચે અત્યારસુધીમાં 19 T-20 રમાઈ છે. તેમાંથી ભારતે 4 જીતી છે, જ્યારે 15માં હારનો સામનો કર્યો છે.

ભારતીય ટીમ ક્યારેય ફાઇનલમાં પહોંચી નથી. ટીમ ઇન્ડિયા ત્રણવાર 2009, 2010 અને 2018માં સેમિફાઇનલમાં હારી હતી. ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ 4 વાર ટાઇટલ જીત્યું છે, જ્યારે ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ 1-1 વાર ચેમ્પિયન બન્યા છે.

સૌથી વધુ રનના મામલે શેફાલી ત્રીજા ક્રમે
ટૂર્નામેન્ટમાં ઇંગ્લેન્ડની નટાલી સ્કાઈવરે 4 મેચમાં 67.37ની એવરેજથી સૌથી વધુ 202 રન કર્યા છે. ઇંગ્લેન્ડની જ કપ્તાન હેધર નાઈટ 4 મેચમાં 64.33ની એવરેજથી 193 રન સાથે બીજા સ્થાને છે. ભારતીય ઓપનર શેફાલી વર્મા ત્રીજા સ્થાને છે. વર્માએ 40.25ની એવરેજથી 161 રન કર્યા છે.

પૂનમ યાદવે સૌથી વધુ વિકેટ લીધી
ટૂર્નામેન્ટમાં સ્પિનર પૂનમ યાદવે સૌથી વધુ 4 મેચમાં 9 વિકેટ ઝડપી છે. તેની બોલિંગ એવરેજ 9.88ની રહી છે. ઇંગ્લેન્ડની આન્યા શ્રબસોલ બીજા અને સોફી એસલસ્ટોન ત્રીજા સ્થાને છે. બંનેએ 4 મેચમાં 8-8 વિકેટ લીધી છે. આન્યાની એવરેજ 10.62 અને સોફીની 6.12ની રહી છે.

પિચ અને વેધર રિપોર્ટ: ગુરુવારે સિડનીમાં તાપમાન 20થી 23 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. વાદળછાયું વાતાવરણ રહેશે. વરસાદની સંભાવના છે. પિચ બેટ્સમેન માટે મદદગાર રહેશે. ટોસ જીતનાર ટીમ બેટિંગ પસંદ કરશે.

મેદાન પર કુલ T-20: 7
પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી: 2
પ્રથમ બોલિંગ કરનાર ટીમ જીતી: 4
ફર્સ્ટ ઇનિંગ્સ એવરેજ સ્કોર: 156
બીજી ઇનિંગ્સમાં એવરેજ સ્કોર: 134

ટૂર્નામેન્ટમાં ભારત 150 રન કરી શક્યું નથી
ગ્રુપ સ્ટેજમાં ભારત ચારેય મેચ જીત્યું છે. ટીમ પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને 17, બીજીમાં બાંગ્લાદેશને 18 અને ત્રીજીમાં ન્યૂઝીલેન્ડને 3 રને હરાવ્યું હતું. ચોથી મેચમાં શ્રીલંકા સામે 7 વિકેટે જીત મેળવી હતી. ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 132, બાંગ્લાદેશ વિરુદ્ધ 142 અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 133 રન કર્યા હતા. જ્યારે શ્રીલંકા સામે 14.4 ઓવરમાં 116નો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

મંધાના-હરમનપ્રીતનું પ્રદર્શન સૌથી ખરાબ
ટૂર્નામેન્ટમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કોર અને ઓપનર સ્મૃતિ મંધાનાનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું છે. સ્મૃતિએ 3 મેચમાં 38 રન કર્યા છે. તેનો હાઈએસ્ટ સ્કોર 17 છે. હરમને 4 મેચમાં 26 રન કર્યા છે. તેનો હાઈએસ્ટ સ્કોર 15 છે. શેફાલી વર્માએ 4 મેચમાં ટીમ માટે સૌથી વધુ 161 રન કર્યા છે. તેની એવરેજ 40ની રહી છે.

બંને ટીમ:

ભારત: હરમનપ્રીત કૌર (કેપ્ટન), શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્ઝ, દીપ્તિ શર્મા, વેદા કૃષ્ણમૂર્તિ, શિખા પાંડે, તાનિયા ભાટિયા (વિકેટકીપર), અરુંધતી રેડ્ડી, પૂનમ યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, હરલીન દેઓલ, રિચા ઘોષ, પૂજા વસ્ત્રાકર અને રાધા યાદવ

ઇંગ્લેન્ડ: હેધર નાઈટ (કેપ્ટન), ટેમ્મી બ્યુમોન્ટ, કેથરિન બ્રન્ટ, કેટ ક્રોસ, ફ્રીયા ડેવિસ, સોફી એક્લેસ્ટોન, જ્યોર્જિયા એલ્વિસ, સારાહ ગ્લેન, એમી જોન્સ (વિકેટકીપર), નતાલી સ્કાઈવર, અન્યા શ્રબસોલ, મેડી વિલિયર્સ, ફ્રેન વિલ્સન, લોરેન વિનફિલ્ડ અને ડેની યાટ.