ગુજરાત વિધાનસભાનું શિયાળું સત્ર આગામી 9-12 ડિસેમ્બરના રોજ ત્રણ દિવસ માટે યોજાશે. ચાલુ વર્ષે એપ્રિલ-મેમાં લોકસભાની ચૂંટણી અને પરિણામને અનુલક્ષીને વિધાનસભાનું નિયમિત બજેટ સત્ર ફેબ્રુઆરીના બદલે જુલાઈ માસમાં યોજાયું હતું.
હવે શિયાળુ સત્ર ત્રણ દિવસ માટે 9મી ડિસે.ના યોજાશે જેમાં સત્રના પ્રથમ દિવસે શોકાંજલિ આપવામાં આવશે તેમજ બીજી બેઠકમાં 26 નવેમ્બરને બંધારણિય દિવસ તરીકે ઉજવવા માટેનો ઠરાવ પસાર કરાવવામાં આવશે.
આ અંગે માહિતી આપતા વિધાનસભા બાબતોના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, છ મહિનામાં વિધાનસભા સત્ર બોલાવવું ફરજીયાત હોવાથી 9મી ડિસેમ્બરના ત્રણ દિવસનું સત્ર યોજવાનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજરોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લીધો હતો.’
સત્રના પ્રથમ દિવસની બીજી બેઠકમાં વિધાનસભામાં 26મી નવેમ્બરના દર વર્ષે બંધારણીય દિવસ તરીકે ઉજવણી કરવા માટેનો ઠરાવ પસાર કરવામાં આવશે. 10મી નવેમ્બરના કેટલાક બિલ ચર્ચા અને વોટિંગ માટે રજૂ કરાશે તેમ મંત્રી જાડેજાએ જણાવ્યું હતું. ચૂંટાયેલા સભ્યો મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણી માટેનો ઠરાવ પણ ગૃહમાં પસાર કરશે.