ખેડૂતો માટે 700 કરોડની સહાયનું પેકેજ, 33 ટકા કરતા વધુ નુકસાન માટે સહાય કરાશે

ગુજરાત મુખ્ય સમાચાર

આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ખેડૂતો માટે 700 કરોડના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. બિન પિયતમાં હેકટર દીઠ 6,800 રૂ. સહાય અપાશે. પાકવીમા સિવાય પણ રાજ્ય સરકારે સહાય જાહેર કરી છે. 2 લાખ કરતા વધુ ખેડૂતોને સહાય મળશે.

રાજ્યમાં દિવાળી પહેલા અને દિવાળી પછી પડેલા કમોસમી વરસાદના કારણે ખેતીના તૈયાર પાકને અને ખેતરમાં ઉભેલા પાકને ભારે નુકશાન થયુ છે. સરકારે સહાય માટે અરજી મંગાવતા સેંકડો ખેડૂતોએ સહાયની અરજી કરી હતી. 

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને કપાસ અને મગફળીના પાકને મોટું નુકશાન થયુ છે. સૌરાષ્ટ્ર સિવાયના ગુજરાતના વિસ્તારમાં ડાંગર અને અન્ય પાક પર વરસાદી પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. 

આ વર્ષે વરસાદ સારો થતા સારૂ વર્ષ થવાની ખેડૂતોને આશા હતી. ચોમાસાનો સમયગાળો પુરો થયા પછી અચાનક આવેલા ભારે વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધુ છે. અનેક વિસ્તારોમાં કપાસ, મગફળી, ડાંગર જેવા પાકને ભારે નુકશાન થયુ છે. 

ખાતર, બિયારણ અને ખેડૂતોની મહેનત નકામી ગઈ છે. વરસાદ પછી સરકારે અસરગ્રસ્ત ખેડૂતો પાસેથી સહાય માટે અરજીઓ મંગાવી હતી. સરકાર દ્વારા ગામેગામ સર્વે કરવામાં આવ્યો તેનો અહેવાલ તૈયાર થઈ ગયો હતો. તે અહેવાલના આધારે રાજ્ય સરકાર પાસે પણ મદદ માંગવા આવી. જે ખેડૂતોને વિમો નથી તેને સરકારી પેકેજનો મહત્તમ લાભ મળે તેવો સરકારનો પ્રયાસ છે. 

નિયમ મુજબના પાક વિમાની ઝડપથી ચુકવણી કરવા કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવામાં આવશે. ખેડૂતોને સરકારી પેકેજથી નોંધપાત્ર લાભ મળે તેવી આશા છે.