પંજાબની કોંગ્રેસ સરકારે શુક્રવારે વિધાનસભામાં નાગરિકતા સુધારણા કાયદાને રદ્દ કરવાની માગ કરતો પ્રસ્તાવ પસાર કર્યો છે. રાજ્ય સરકારે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)માં પણ સુધારો કરવાની માગણી કરી છે, જેથી લોકોની વચ્ચે એનપીઆર અને એનઆરસીને લઈને જે ભય છે તે દૂર થાય.
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે જણાવ્યું છે કે, તેમની સરકાર વિભાજનકારી સીએએને લાગુ થવા દેશે નહીં. તેઓ અને કોંગ્રેસ ધાર્મિક ઉત્પીડના ભોગ બનેલા લઘુમતિઓને નાગરિકતા આપવાની વિરુદ્ધમાં નથી પરંતુ તેમનો વિરોધ સીએએમાં મુસ્લિમ સહિત કેટલાક અન્ય ધાર્મિક સુમદાયોની પ્રતિ કરવામાં આવેલા ભેદભાવને લઇને છે. કેરળ વિધાનસભામાં આ વિવાદાસ્પદ કાયદાની વિરુદ્ધ અગાઉ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. કેરળ આવું કરનાર પ્રથમ રાજ્ય છે.
પંજાબ સરકાર દ્વારા પસાર કરાયેલા પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે કે, સીએએને કારણે દેશભરમાં ગુસ્સો અને નારાજગી છે અને આની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. પંજાબમાં તમામ વર્ગોના લોકો આ કાયદાની વિરુદ્ધ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છે. ડ્રાફ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સીએએ દેશના બિનસાંપ્રદાયિક માળખા માટે જોખમ છે, જે દેશના બંધારણનો પાયો છે.