ગુજરાતમાં કાતિલ ઠંડી : 10 શહેરમાં 9 ડિગ્રીથી નીચું તાપમાન, નલિયા 5.8 ડિગ્રી સાથે ઠંડુંગાર

ગુજરાત

ઉત્તર ભારતમાં થયેલી હિમ વર્ષાને પગલે ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને 10 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 9 ડિગ્રીથી નીચે નોંધાયો છે. નલિયામાં 5.8 ડિગ્રી સાથે સૌથી વધારે ઠંડી નોંધાઇ હતી.

અમદાવાદમાં સતત બીજા દિવસે 10 ડિગ્રીથી નીચું તાપમાન રહેતા 9.6 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. હવામાન વિભાગે હજુ આગામી 3 દિવસ કોલ્ડવેવ રહેવાની આગાહી કરેલી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેને સંલગ્ન પશ્ચિમ મધ્ય પ્રદેશમાં સમુદ્રથી 1.5 કિલોમીટર ઊંચાઇએ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.

આગામી 2-3 દિવસ ઠંડીમાં અતિશય વધારો થાય તેની સંભાવના નહિવત્ છે. પરંતુ શુક્રવાર-શનિવારે રાજકોટ-દ્વારકા-કચ્છ-અમદાવાદ-ગાંધીનગર-ડીસા-વડોદરા જ્યારે રવિવારે રાજકોટ-દ્વારકા-કચ્છમાં કોલ્ડ વેવની સ્થિતિ રહી શકે છે. ‘

અમદાવાદમાં 22.7 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 5.2 ડિગ્રીનો ઘટાડો થતાં દિવસ દરમિયાન પણ ઠંડીનો અહેસાસ થયો હતો. સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.5 ડિગ્રીનો ઘટાડો થતાં 9.6 ડિગ્રી નોંધાયું હતું. આગામી પાંચ દિવસ દરમિયાન અમદાવાદમાં 10 ડિગ્રીની આસપાસ ઠંડીનો પારો રહેશે. આમ, ઠંડીમાંથી રાહત મળે તેની સંભાવના નહિવત્ છે.

રાજ્યમાં અન્યત્ર કે જ્યાં સરેરાશ લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું તેમાં અમરેલી-રાજકોટ-કેશોદ-ભૂજ-ડીસા-સુરેન્દ્રનગર-આણંદ-કંડલાનો સમાવેશ થાય છે. તજજ્ઞાોના મતે રાજ્યમાં વાતાવરણ કેવું રહેશે તે પવનની દિશા પરથી નક્કી થતું હોય છે.

પવનની દિશા બદલાતાં વાતાવરણમાં ફેરફાર થાય છે. છેલ્લા 24 કલાકથી ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં ઉત્તરપશ્ચિમ-ઉત્તરના પવન ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને ઠંડીમાં વધારો થયો છે. એકાએક ઠંડી વધતા જનજીવન પ્રભાવિત થયું છે.