સોશ્યલ મીડિયામાં ‘ચોકીદાર’ v/s ‘બેરોજગાર’ નો નવો ટ્રેન્ડ : મોદી અને રાહુલની લડાઈમાં હાર્દિકે ઝંપલાવ્યુ

ગુજરાત

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દા ને લઇ ‘ચોકીદાર ચોર હે’ નો નારો આપ્યો હતો. ત્યારે ભાજપે ‘ હું છું ચોકીદાર’ નું સૂત્ર આપ્યું હતું અને ભાજપના નરેન્દ્ર મોદી સહિતના મોટાભાગના નેતાઓએ પોતાના ટ્વિટર હેન્ડલ માં નામની આગળ ‘ચોકીદાર’ શબ્દ મૂક્યો હતો. ત્યારે હવે પાટીદાર કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલે ચોકીદાર ની સામે નવું સૂત્ર ‘બેરોજગાર’ આપ્યું છે, અને પોતાના ટ્વિટર હેન્ડલ પર નામની આગળ ‘બેરોજગાર’ શબ્દ મૂકી ટ્વિટર હેન્ડલ નું નવું નામ ‘ બેરોજગાર હાર્દિક પટેલ’ કરી નાખ્યું છે.

આમ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચોકીદાર v/s બેરોજગાર નો નવો ટ્રેન્ડ સોશિયલ મીડિયાની ફાઇટ ના રૂપમાં શરૂ થયો છે. જો કે રાહુલ ગાંધીના ‘ચોકીદાર ચોર હૈ’ ના આરોપ સામે ભાજપે ‘હુ છું ચોકીદાર’ ના વળતા પ્રહાર કર્યા હતા ત્યારે કોંગ્રેસે પૂંછડી દબાવી દીધી હતી. પરંતુ હાર્દિક પટેલે એકવાર પુનઃ ‘ચોકીદાર’ ની સામે ‘બેરોજગાર’ શબ્દનો પ્રયોગ કરતાં જ સોશિયલ મીડિયામાં કેટલાક લોકોએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ‘બેરોજગાર’ શબ્દ નામની આગળ મૂકવાની શરૂઆત કરી છે.