વર્લ્ડકપની 17મી મેચમાં ટાઉન્ટનના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 41 રને હરાવ્યું હતું. આ તેની પાકિસ્તાન સામે સતત 9મી જીત હતી. પાકિસ્તાન છેલ્લે ઓસ્ટ્રેલિયા સામે 15 જાન્યુઆરી 2017ના રોજ જીત્યું હતું. 308 રનનો પીછો કરતા પાકિસ્તાને 45.4 ઓવરમાં 266 રનમાં ઓલઆઉટ થયું હતું. તેમના માટે ઓપનર ઇમામ ઉલ હકે 53 રન અને ઓલરાઉન્ડર મોહમ્મદ હાફિઝે 46 રન કર્યા હતા. જોકે તે બંને સારી શરૂઆતનો લાભ ન ઉઠાવી શકતા વિકેટ ફેંકીને પેવેલિયન ભેગા થયા હતા. ત્યાર પછી પાકિસ્તાને 200 રનમાં 7 વિકેટ ગુમાવી હતી અને મેચની બહાર જણાતું હતું, ત્યારે વહાબ રિયાઝ અને સરફરાઝ અહેમદે 8મી વિકેટ માટે 64 રન ઉમેરતા મેચમાં જીવ રેડ્યો હતો. જોકે સ્ટાર્કે રિયાઝને 45 રને આઉટ કરીને પાકિસ્તાનને મેચમાંથી બહાર કરી દીધું હતું.

