વર્લ્ડકપની 32મી મેચમાં લંડનના લોર્ડ્સ ખાતે ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 64 રને હરાવ્યું હતું. આ સાથે જ 7 મેચમાં 6 જીત અને 12 પોઇન્ટ સાથે ઓસ્ટ્રેલિયાએ સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. બીજી તરફ ઇંગ્લેન્ડના 7 મેચમાં 4 જીત સાથે 8 પોઇન્ટ છે. તેને સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ સામે બાકીના બંને મુકાબલા જીતવા જરૂરી છે. જો તેઓ 1 મેચ જીતે અને પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ 1-1 મેચ હારી જાય તો પણ તેઓ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લેશે.
286 રનનો પીછો કરતા ઇંગ્લેન્ડની ટીમ 44.4 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઇ હતી. તેમના માટે બેન સ્ટોક્સે 89 રન કર્યા હતા. અન્ય કોઈ બેટ્સમેન 30 રનનો આંક વટાવી શક્યું ન હતું. બેરસ્ટો, જોસ બટલર અને ક્રિસ વોકસે અનુક્રમે 27, 25 અને 26 રન કર્યા હતા. પરંતુ તેઓ શરૂઆતને મોટો સ્કોરમાં કન્વર્ટ કરી શક્યા ન હતા. કાંગારું માટે જેસન બેહરેનડોર્ફે 5 અને મિચેલ સ્ટાર્કે 4 વિકેટ લીધી હતી.

