હરિયાણામાં કૉંગ્રેસને મત આપ્યો તો ભાજપ સમર્થક ભાઈએ ગોળી મારી દીધી

મુખ્ય સમાચાર રાજકીય

લોકસભાની ચૂંટણીમાં રાજકીય ગોળીબારની ઘટના સામે આવી છે જેમાં હરિયાણામાં કૉંગ્રેસને મત આપવા બદલ ભાઈએ તેના પિતરાઈ પર ગોળીબાર કર્યો છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ હરિયાણાના જાઝર જિલ્લામાં આ ઘટના બની છે. ધર્મેન્દ્ર સિલાની જેઓ ભાજપના તાલુકા સ્તરના નેતા છે તેમણે કૉંગ્રેસને મત આપવા બદલ એમના પિતરાઈ રાજા સિંહ પર ગોળીબાર કર્યો છે. ધર્મેન્દ્ર સિલાનીએ ગેરકાયદે પિસ્તોલથી બે ગોળી પગમાં અને એક ગોળી પેટમાં મારી હતી અને તેઓ ફરાર થઈ ગયા હતા.

આ ઘટનામાં ભોગ બનનાર રાજા સિંહ હાલત હાલ ઠીક છે અને તેમની સારવાર ચાલી રહી છે. ધર્મેન્દ્ર સિલાની બહાદુરગઢ સુધરાઈના સભ્ય છે અને ભાજપના તાલુકા ઑફિસ અધિકારી છે. એમણે રાજા સિંહ અને એમના પરિવારને ભાજપને મત આપવાનો આગ્રહ કર્યો હતો અને પરિવારે એ માનવાનો ઇન્કાર કરી દીધો હતો. આ અંગે રવિવારે મતદાન પછી રાતે પણ એમની વચ્ચે વિવાદ થયો હતો અને સોમવારે આ ઘટના બની હતી.