મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલ નાથ તેના પુત્ર અને નવા બનેલા સાંસદ નકુલનાથ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુરૂવારે મુલાકાત લીધી હતી. કમલનાથ અને તેના પુત્રની PM મોદી સાથેની મુલાકાતને કોંગ્રેસ શંકાની નજરે જોવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પહેલા કહી ચૂક્યા છે કે, કમલનાથએ પાર્ટીથી વધારે તેના પુત્રની પસંદગી કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ મુખ્યમંત્રી કમલ નાથના પુત્રએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી PM મોદી, CM કમલ નાથ અને પોતાની ફોટો પોસ્ટ કરી છે. નકુલે લખ્યું કે, આજે પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથજી સાથે અને વડાપ્રાધાન શ્રી નરેન્દ્ર મોદીજી સાથે સૌજન્ય મુલાકાત કરી તથા વિકાસ અને પ્રદેશની યોજનાઓના અંગે ચર્ચા કરી હતી.
આ પહેલા કમલનાથ લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠકમાં પણ હાજર રહ્યા નહોતા. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, નકુલ સાથે મોદીની મુલાકાત કરીને કમલનાથે ગાંધી પરિવારને સંકેત આપ્યા છે.
પાર્ટીએ કમલનાથને લોકસભા ચૂંટણીમા પ્રદેશની જવાબદારી સોંપી હતી. રાજ્યની 29 બેઠકોમાંથી માત્ર 1 ઝિંદવાડા બેઠકમા પાર્ટીની જીત થઈ હતી અને આ બેઠક પરથી મુખ્યમંત્રીના પુત્ર નકુલનાથ મેદાનમા હતા.
એ સમયે એવી ચર્ચા થતી હતી કે, CMએ પાર્ટીના બદલે પોતાના પુત્રની જીતને વધારે મહત્વ આપ્યું છે. રાજ્યના બે વખત મુખ્યંત્રી રહેલા દિગ્વિજય સિંહને પણ ભોપાલથી હારનો સામનો કરવો પડ્યો હતો. અને કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ હારનો સામનો કરવો પડ્યો હતો.

