પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી દરમિયાન અને પરિણામ પછી ભડકેલી રાજકીય હિંસાના પગલે રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ ગુરુવારે બધા જ રાજકીય દળોને બેઠક માટે અપીલ કરતો પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં રાજભવન ખાતે બેઠકમાં હાજરી આપવા માટે કરેલ અપીલ પૈકી ભારતીય જનતા પાર્ટીએ સામેલ થવા જણાવ્યું છે.
ભાજપાએ રાજ્યપાલના પગલાની પ્રશંસા કરતા મમતા બેનરજી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, આ પહેલ રાજ્ય સરકારે કરવી જોઇતી હતી. બંગાળ ભાજપા અધ્યક્ષ દિલીપ ઘોષે આ મામલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, આ મામલે અમને રાજ્યપાલનો પત્ર મળ્યો છે અને અમે ગુરુવારે બેઠકમાં સામેલ થઇશું.
જો કે, ટીએમસીએ બેઠકમાં સામેલ થવા મામલે કોઇ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. ટીએમસીના નેતાએ જણાવ્યું કે, પાર્ટીના નેતૃત્વને રાજ્યપાલ તરફથી કોઇ પત્ર મળ્યો નથી. પત્ર મળતા જે પાર્ટી આ મામલે નિર્ણય લેશે.
ઉલ્લેખનીય છે કે, બંગાળમાં રાજકીય યુદ્ધમાં ભાજપા અને ટીએમસી કાર્યકર્તાઓની પરસ્પર અથડામણ અનેક કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી છે. જેના પગલે રાજ્યપાલે ગુરુવારે સાંજે ચાર વાગ્યે રાજભવનમાં બધા જ રાજકીય દળોની બેઠક બોલાવી છે.

